તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
SGVP ગુરુકુલ રીબડા ખાતે 'ભક્તિ સત્ર-૭'નો ભવ્ય પ્રારંભ: દિવ્ય પોથીયાત્રા અને ૨૫૦ ભૂદેવોની બ્રહ્મચોર્યાસી યોજાઈ
શ્રી નીલકંઠ ચરિત્ર કથા સાથે ધાર્મિક અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ જેવા સેવાકીય પ્રકલ્પોનો વિધિવત શુભારંભ | ૭ ઓક્ટોબરે યોજાશે ભવ્ય લોકડાયરો

રાજકોટ/રીબડા: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયંતી મહોત્સવના ઉપક્રમે અને શ્રાદ્ધપક્ષના પવિત્ર અવસરે SGVP ગુરુકુલ રીબડા ખાતે પાવન ‘ભક્તિ સત્ર-૭’નો અત્યંત શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણમાં શાનદાર પ્રારંભ થયો છે.
પ્રથમ દિવસે હરિભક્તો અને ગ્રામજનો દ્વારા પવિત્ર ગ્રંથરાજને મસ્તકે ધારણ કરી કીર્તનગાન અને રાસ-ગરબાની રમઝટ સાથે દિવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. સભામંડપમાં પોથીયાત્રાના આગમન બાદ રીબડા ગુરુકુલના વિદ્યાર્થીઓએ મનમોહક સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિત સંતો, ભૂદેવો અને હરિભક્તોએ હર્ષભેર વધાવી લીધું હતું.
દિવ્ય કથા શ્રવણ અને બ્રહ્મચોર્યાસી
મહોત્સવ દરમિયાન 'શ્રી નીલકંઠ ચરિત્ર કથા તથા સંહિતા પારાયણ'નો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરાયો છે, જેમાં ૪૦ જેટલી સંહિતા પારાયણ થઈ રહી છે. વક્તા પદ પરથી પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ભગવાન શ્રી નીલકંઠવર્ણીના તપોમય જીવનનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે, શ્રાદ્ધપક્ષમાં કથાશ્રવણ અને સેવાથી પિતૃઓને અક્ષરધામમાં પરમ તૃપ્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
કથા સંપન્ન થયા બાદ યોજાયેલ બ્રહ્મચોર્યાસીમાં ૨૫૦ જેટલા ભૂદેવોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સંતો અને યજમાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભૂદેવોનું પૂજન-અર્ચન કરી દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી.
મુખ્ય યજમાન પરિવાર
આ પાવન પ્રસંગે મુખ્ય યજમાન તરીકે અ.નિ. ગોકળભાઈ વેકરીયાની સ્મૃતિમાં રમેશભાઈ ગોકળભાઈ વેકરીયા, હરસુખભાઈ વેકરીયા તથા આદર્શભાઈ વેકરીયા પરિવાર સેવા આપી રહ્યા છે. સહ યજમાન તરીકે અ.નિ. હંસાબેન તથા અ.નિ. ધીરૂભાઈ બારસીયાની સ્મૃતિમાં હર્ષદભાઈ બારસીયા અને લલિતભાઈ બારસીયા પરિવાર તેમજ સંહિતાપાઠના મુખ્ય યજમાન તરીકે અ.નિ. હીરાબેન અને અ.નિ. ધીરૂભાઈ વઘાસીયાની સ્મૃતિમાં યોગેશભાઈ વઘાસીયા પરિવાર જોડાયા છે.
સેવાકીય અને સાંસ્કૃતિક આયોજનો
મહોત્સવ અંતર્ગત ૩ થી ૭ ઓક્ટોબર દરમિયાન વિવિધ મંગલ આયોજનો અને નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે:
આરોગ્ય સેવા: ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન 'તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન' દ્વારા નેચરોપેથી સેવા, ૫ અને ૬ ઓક્ટોબરે 'શાશ્વત હોસ્પિટલ' દ્વારા કેન્સર તપાસ, અને ૭ ઓક્ટોબરે 'સિનર્જી સુપરસપેશ્યાલીટી હોસ્પિટલ' દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ: ૭ ઓક્ટોબરે દિવ્યાંગ સેવા યજ્ઞ તેમજ રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય લોકડાયરો અને શ્રી હિતેશભાઈ અંટાળાનો હાસ્ય દરબાર યોજાશે.
આ પ્રસંગે રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વવિહારીદાસજી સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી સહિત સંતો અને ગુંદાસરા, રીબ, વાવડી, માવડી તથા રાજકોટથી બોહળી સંખ્યામાં હરિભક્તો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. SGVP ગુરુકુલ પરિવાર દ્વારા તમામ ભાવિકોને આ ધાર્મિક તેમજ આરોગ્ય કેમ્પનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
