News of Saturday, 30th May 2026
RRU ગાંધીનગર ખાતે ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, ૨૭ રાજ્યોના ૨ હજારથી વધુ ખેલાડીઓ બતાવશે બાહુબળ
PAFI અધ્યક્ષા પ્રીતિ ઝાંગિયાનીએ કરાવ્યું ઉદ્ઘાટન, RRU વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ પટેલે વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવી, સુનીલ શેટ્ટીએ વિડીયો સંદેશથી વધાર્યો ખેલાડીઓનો જુસ્સો, ૨૦૨૯ની વર્લ્ડ પોલીસ ગેમ્સ માટે RRU સજ્જ

ગાંધીનગર તા.૩૦ : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગરના કેમ્પસમાં આજે ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ થયો. પીપલ આર્મ રેસલિંગ ફેડરેશન ઈન્ડિયા (PAFI)ના અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝાંગિયાનીના હસ્તે ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને PAFIના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાત સહિત દેશનાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 2 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કેરળના ત્રિસુર ખાતે યોજાયેલી ત્રીજી ચેમ્પિયનશિપમાં 25 રાજ્યોના 1,700 ખેલાડીઓ હતા, જેની સરખામણીએ આ વખતે ભાગીદારી વધી છે
ઉદ્ઘાટન પ્રસંગે PAFI અધ્યક્ષા પ્રીતિ ઝાંગિયાનીએ તમામ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી અને RRUના આયોજનની પ્રશંસા કરી. RRUના વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ એન. પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવાના વિઝનને આ ચેમ્પિયનશિપ સાકાર કરશે. રમતગમત રાષ્ટ્રીય વિકાસનો મજબૂત સ્તંભ છે." અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ વિડીયો સંદેશ દ્વારા યુવાનોને રમતગમતમાં સક્રિય ભાગ લેવા પ્રેરિત કર્યા
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૯માં અમદાવાદ-ગુજરાતમાં યોજાનારી 'વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ'ની 8 જેટલી રમતો RRU ખાતે યોજાશે. તે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ૨૦૩૬ની ઓલિમ્પિક રમતો માટે અમદાવાદ-ગુજરાતની દાવેદારીને મજબૂત બનાવવાના હેતુથી પણ આ સ્પર્ધાનું આયોજન મહત્વનું છે.
આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પ્રો-પંજા લીગના માલિક પ્રવીણ દબાસ, RRUના પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. કલ્પેશ વાંદરા, રજિસ્ટ્રાર ધર્મેશ પ્રજાપતિ, સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર યશ શર્મા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
