તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:દ્વારકા, ડાકોર, શામળાજી અને ભાલકા તીર્થ સહિતના યાત્રાધામોમાં ભાવિકો ઉમટ્યા
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મંદિરોમાં લાખો ભક્તો ઉમટી પડ્યા: રાત્રે 12 વાગ્યે મહાઆરતી, વિશેષ શણગાર, ભજન-કીર્તન, શોભાયાત્રા અને મટકીફોડ સાથે સમગ્ર રાજ્યમાં ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ ગુંજી રહ્યો છે.

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા પાવન જન્મોત્સવ નિમિત્તે અદભુત અને અનુપમ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારથી જ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો તેમજ શહેર-ગામના તમામ મંદિરોમાં ભક્તોનું વિશાળ માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. "નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી" અને "હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી"ના ગગનભેદી જયઘોષ સાથે ભક્તો કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા છે. તમામ મુખ્ય મંદિરોમાં રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જન્મોત્સવ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનહદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તીર્થરાજ દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે. કાનુડાના બાળ સ્વરૂપના દિવ્ય દર્શન કરવા માટે મંદિર પરિસરથી લઈને ગોમતી ઘાટ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિવારો પોતાના નાના બાળકોને બાળ ગોપાલ અને રાધાજીના વેશમાં સજાવીને દર્શને લાવ્યા છે. સમગ્ર દ્વારકા નગરી કાનુડાના જયઘોષથી ગુંજી ઊઠી છે. રાત્રે બરાબર 12:00 વાગ્યે જગત મંદિરમાં પરંપરાગત રીતિ-રિવાજ મુજબ જન્મોત્સવની ભવ્ય મહાઆરતી યોજાશે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઈને ધન્યતા અનુભવશે.
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમી પર્વે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારથી જ દૂર-દૂરથી પદયાત્રા કરીને અને વાહનો મારફતે લાખો ભક્તો ડાકોર પહોંચ્યા છે. મંદિર પરિસરમાં માત્ર "જય રણછોડ, માખણ ચોર"નો એક જ નાદ ગુંજી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. ડાકોર રણછોડરાય મંદિરે રેન્જ આઈજી વત્સ પોતાના પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા અને દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. તેમની સાથે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને તમામ નાગરિકોને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કાળિયા ઠાકોરના જન્મોત્સવની અલૌકિક ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારે 6:00 કલાકે મંદિરના દ્વાર ખૂલતાંની સાથે જ હજારો ભક્તો શામળિયાના મંગળા દર્શન માટે દોડી ગયા હતા. મંગળા આરતી બાદ ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહને 100 કિલોથી વધુ સુગંધિત ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
ભગવાન શામળાજીને આ પાવન દિવસે દિવ્ય શૃંગાર ધરાવવામાં આવ્યો છે, જેમાં ભગવાનના શીશ પર અંદાજે 6 કરોડ રૂપિયાનો હીરાજડિત સુવર્ણ મુગટ શોભી રહ્યો છે. આ ઉપરાંત ભગવાનને 10 કિલોથી વધુ વજન ધરાવતા પ્રાચીન અને કિંમતી સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા છે.
શામળાજીમાં ભજન મંડળીઓની ભારે રમઝટ જોવા મળી રહી છે. પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામનું ગોપી મંડળ અને ઓમકારેશ્વર ભજન મંડળ દ્વારા ભક્તિસંગીતની રમઝટ બોલાવાઈ રહી છે. નાના ચકલા ગામના લોકો સહિત અનેક સંઘો 70 થી 80 કિલોમીટર પગપાળા ચાલીને ધજા લઈને પહોંચ્યા છે અને મંદિરની પ્રદક્ષિણા કરી શિખર પર ધજા ચડાવી છે. શામળાજી યુવા મંડળ દ્વારા મંદિર પરિસરમાં 100 જેટલી મટકીઓ ફોડવાનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને રાત્રે 12:00 વાગ્યે જન્મોત્સવ આરતી યોજાશે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર ભાલકા તીર્થ ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલા ભૂમિ ગણાતા આ પવિત્ર ધામમાં દિવસભર વિવિધ ધાર્મિક અને વૈદિક અનુષ્ઠાનો યોજાઈ રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં નમન કરવા પહોંચ્યા છે. રાત્રિના બરાબર 12:00 વાગ્યે અહીં ભવ્ય વિશેષ જન્મોત્સવ આરતી અને પંચામૃત સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી પર્વ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. દિવસ દરમિયાન ઠાકોરજીની વિશેષ હિંડોળા સેવા, પંચગવ્ય અને વિવિધ પવિત્ર ઔષધીય દ્રવ્યો તેમજ ફળોના રસથી ભવ્ય મહાઅભિષેક યોજાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, કીર્તન અને રાત્રે મહાઆરતી સાથે ભગવાનના પ્રાગટ્યને વધાવવા હજારો અમદાવાદીઓ મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરાધાશ્યામસુંદરને અતિ સુંદર અલૌકિક વસ્ત્રો અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે. દિવસભર હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તનથી સમગ્ર મંદિર ગુંજી ઊઠ્યું છે.
સુરતના જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિર સહિત તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. સુરતીઓ પોતાના લાડલા બાળ ગોપાલની પ્રતિમાઓ ઘરેથી સજાવીને મંદિરે દર્શનાર્થે લાવ્યા છે. રાત્રે 12:00 વાગ્યાના ટકોરે ભગવાનના જન્મોત્સવના વધામણાં કરવા ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
રંગિલા રાજકોટ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 22 કિલોમીટર લાંબી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે મવડી ચોકડી ખાતે એક વિશાળ ધર્મસભા યોજાઈ હતી, જેમાં વિવિધ સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક અને દેશભક્તિના ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને 11 એક્ટિવા વાહનો પર તૈયાર કરાયેલું પવિત્ર અમરનાથ શિવલિંગ દર્શકોમાં ભારે આશ્ચર્ય અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શોભાયાત્રા દરમિયાન મહિલાઓ દ્વારા તલવારબાજી અને લાઠીદાવ સહિતના અદભુત શૌર્ય પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. મવડી ચોકડીથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને બાલક હનુમાનમંદિર ખાતે સંપન્ન થશે.
સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતના ગામેગામ અને નગરેનગરમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે અને મધ્યરાત્રિએ 12:00 વાગ્યે કાનુડાના આગમનને વધાવવા સમગ્ર ગુજરાત કૃષ્ણમય બની ગયું છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
