<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વિજાપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા પાસ કરાવવા લાંચ માંગતો ગ્રામ સેવક અજયસિંહ રાજપુત ૫૦૦૦ની રકમ સાથે રંગેહાથ ઝડપાયો

એસીબીના મદદનીશ નિયામક એ.કે.પરમાર અને હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કે.કે.દેસાઇએ આનંદપુરા સર્કલ પાસે છટકું ગોઠવી ભ્રષ્ટ કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલ્યો

વિજાપુર :મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ સફળ ટ્રેપ ગોઠવીને એક લાંચિયા ગ્રામ સેવકને ઝડપી પાડ્યો છે. વિજાપુર તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામ સેવક અજયસિંહ કાનુસિંહ રાજપુતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયના બાકી હપ્તા છૂટા કરવા માટે લાંચની માંગણી કરી હતી, જેના આધારે એસીબીએ કાર્યવાહી કરી આરોપીને આનંદપુરા સર્કલ પાસેથી દબોચી લીધો છે.

 

આવાસ યોજનાની સહાયના નામે માંગી લાંચ:

આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકને તેમના બાપદાદાનું જૂનું ઘર તોડીને નવું મકાન બનાવવા માટે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય મંજૂર થઈ હતી. આ ઉપરાંત નવી યોજના હેઠળ વધારાના રૂ. ૫૦,૦૦૦/- પણ જાહેર થયા હતા. આ રકમ પૈકીનો ત્રીજો હપ્તો રૂ. ૫૦,૦૦૦/-, છેલ્લો હપ્તો રૂ. ૧૦,૦૦૦/- તથા અન્ય સહાય ઝડપથી અપાવવાના બહાને આરોપી અજયસિંહ રાજપુતે રૂ. ૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

 

એસીબીની ટ્રેપ અને આરોપીની ધરપકડ:

ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ટ્રેપિંગ ઓફિસર કે.કે.દેસાઇ (ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી ગાંધીનગર) એ આજ રોજ વિજાપુરના આનંદપુરા સર્કલ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આરોપી અજયસિંહ રાજપુતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ પકડી લીધો હતો અને લાંચની રૂ. ૫,૦૦૦/- ની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.

 

આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમાર અને એસીબી અમદાવાદના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. એસીબીએ ગુનાહિત ગેરવર્તણૂક બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપને પગલે લાંચિયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(7:20 PM IST)