<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

જીપીએસસી (GPSC) દ્વારા રોજગારી માટે ઐતિહાસિક ‘અવસર’ મોડ્યુલ શરૂ : ક્લાસ વન-ટુ ની પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપ્યા બાદ ફાઇનલ સિલેક્ટ ન થયેલા ૧૮,૦૦૦ ઉમેદવારોનો ડેટાબેઝ તૈયાર કરાયો

આયોગના સચિવ સુધીર પટેલે આપી માહિતી : છેલ્લા ૩ વર્ષથી કાર્યરત અને ૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી પ્રાઈવેટ કંપનીઓ તથા પીએસયુ (PSUs) ની કડક સ્ક્રુટીની કર્યા બાદ જ ઉમેદવારોની પૂર્વ સંમતિથી ડેટા અપાશે

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા યોજવામાં આવતી વિવિધ સરકારી ભરતીઓમાં રાજ્યના યુવાનો ખૂબ જ મહેનત અને ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. ઘણીવાર સખત પ્રયત્નો કરવા છતાં પણ જે ઉમેદવારો આખરી પરિણામમાં અસફળ રહે છે અથવા પ્રતીક્ષાયાદી (વેઇટિંગ લિસ્ટ) માં સ્થાન મેળવે છે, તેઓ સતત વૈકલ્પિક રોજગારીની તકોની શોધમાં રહે છે. આવા તેજસ્વી અને ખંતિલા ઉમેદવારોનું માનવ સંસાધન વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો (PSUs) તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓને સરળતાથી મળી રહે તે હેતુથી આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ મધ્યસ્થી માધ્યમ તરીકે ‘અવસર’ મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે.

 

આ નવીન પ્રકલ્પ વિશે વિગતો આપતા જીપીએસસીના સચિવ સુધીર પટેલે જણાવ્યું છે કે, જે ઉમેદવારોએ ક્લાસ વન અને ક્લાસ ટુ (વર્ગ-૧ અને વર્ગ-૨) ની પરીક્ષાઓ માટે અરજી કરી હોય, લેખિત પરીક્ષા પાસ કરી હોય અને ઇન્ટરવ્યુ પણ આપ્યું હોય પરંતુ છેલ્લે ફાઇનલ સિલેક્શનમાં રહી ગયા હોય, તેવા યુવાનોને હવે રોજગારી માટે નવો અવસર મળશે.

 

પાંચ વર્ષના ૧૮,૦૦૦ ઉમેદવારોનો ડેટાબેઝ તૈયાર:

આ આયોજન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં જીપીએસસી તરફથી પ્રસિદ્ધ થયેલા વિવિધ ભરતીના પરિણામોના આધારે ઇન્ટરવ્યુ સુધી પાસ થયેલા પરંતુ અંતિમ પસંદગી ન પામેલા આશરે ૧૮,૦૦૦ જેટલા ઉમેદવારોનો એક આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો, જાહેર સાહસો (PSUs) તેમજ ખાનગી સેક્ટરની કંપનીઓમાં સતત કુશળ માનવ સંસાધનની જરૂરિયાત રહેતી હોય છે. આ તમામ રોજગારદાતા સંસ્થાઓ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વચ્ચે કડી બનવાનું કામ આ ‘અવસર’ મોડ્યુલ કરશે.

 

ઉમેદવારોની વિગતો વિવિધ સંસ્થાઓ સાથે શેર કરાશે:

આ નવી યોજના અંતર્ગત જે ઉમેદવારો ‘અવસર’ મોડ્યુલનો લાભ લેવા માંગતા હોય, તેઓનું નામ, મોબાઇલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી. અને શૈક્ષણિક લાયકાતની વિગતો રોજગારીની તક આપવા માંગતા ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, અન્ય સરકારી વિભાગો, સહકારી સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. આ માટેની સુવિધા GPSC-OJAS પોર્ટલ પર કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત આયોગ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ ખાનગી સંસ્થાઓને આ યોજનાની જાણ કરશે, જેથી સંસ્થાઓ ઉમેદવારોને રોજગારીની તક આપવા આયોગનો સંપર્ક કરી શકે.

 

ઉમેદવારોની પૂર્વ સંમતિ (Consent) ફરજિયાત:

આ સમગ્ર ડેટા જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવાર પોતે વેબસાઇટ પર જઈને પોતાના નામ, જન્મતારીખ સહિતની જરૂરી વિગતો દાખલ કરીને પોતાનો ડેટા જોઈ શકશે. આ વેબ પોર્ટલ મારફત ઉમેદવાર પોતાની વિગતો ખાનગી કે સરકારી કંપનીઓને નોકરીના હેતુ માટે આપવા માંગે છે કે નહીં તેની ઓનલાઈન સહમતી આપી શકશે. જે ઉમેદવારની કન્સેન્ટ (પૂર્વ સંમતિ) મળશે, માત્ર તે જ ઉમેદવારોનો ડેટા કંપનીઓને મોકલવામાં આવશે. આ ઉપરાંત, હવે પછી આગામી સમયમાં જે નવી પરીક્ષાઓ લેવાશે, તેમાં ફોર્મ ભરતી વખતે અગાઉથી જ ઉમેદવારો પાસેથી આ પ્રકારની સહમતી લઈ લેવામાં આવશે.

 

યોજનાની મુખ્ય અને મહત્વની બાબતો:

* માહિતીની સુરક્ષા (Data Privacy): આયોગ દ્વારા ખાનગી કે જાહેર સંસ્થાને આપવામાં આવતી ઉમેદવારોની માહિતીનો ઉપયોગ માત્ર રોજગારીના અવસર પૂરા પાડવા સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકાશે નહીં. સંસ્થાઓ ત્રીજી કોઈ વ્યક્તિને ડેટા શેર કરી શકશે નહીં અને આ અંગે સંસ્થા પાસેથી બાહેધરી લેવામાં આવશે. આયોગ માહિતી મેળવનાર સંસ્થાની ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ ઉમેદવારની આખરી પસંદગી કરશે.

* ઓટીપી (OTP) આધારિત પ્રક્રિયા: ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને કન્ફર્મેશન નંબર આપીને સંમતિ આપવાની રહેશે. જો કોઈ ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય, તો પોર્ટલ પર નવો નંબર મેળવવાની વ્યવસ્થા પણ છે. સુરક્ષાના ભાગરૂપે કોઈ અન્ય વ્યક્તિ ખોટી સંમતિ ન આપી શકે તે માટે રજીસ્ટર્ડ મોબાઈલ અને ઈ-મેઈલ પર ઓટીપી મોકલવામાં આવશે અને ત્યારબાદ જ પ્રક્રિયા પૂર્ણ થશે.

* ટર્નઓવર અને સ્ક્રુટીનીના કડક નિયમો: યુવાનોના ડેટાની સુરક્ષા અને નોકરીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે આયોગ દ્વારા કડક માપદંડો નક્કી કરાયા છે. આ ડેટા માત્ર એવી જ સંસ્થાઓ કે કંપનીઓને આપવામાં આવશે જે પાછલા ૩ વર્ષથી સફળતાપૂર્વક કામ કરી રહી હોય અને છેલ્લા ૩ વર્ષથી વાર્ષિક ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારેનું ટર્નઓવર ધરાવતી હોય. કોઈપણ પ્રાઈવેટ કંપનીને ડેટા સોંપતા પહેલા જીપીએસસી દ્વારા તેની યોગ્ય રીતે કડક સ્ક્રુટીની (ચકાસણી) કરવામાં આવશે.

 

આયોગની ભૂમિકા અંગે સ્પષ્ટતા:

આ બાબતે વિશેષ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે ‘અવસર’ અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ માત્ર એક 'માધ્યમ' તરીકે કાર્ય કરશે. આ પ્લેટફોર્મ મારફતે મળનારી ખાનગી કે જાહેર ક્ષેત્રની નોકરીની શરતો, વેતન ધોરણ, સેવા નિયમો કે કાનૂની વિવાદો બાબતે આયોગની કોઈ સત્તાવાર કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ સાથે આયોગ પાસે અવસરના નિયમોમાં ગમે ત્યારે ફેરફાર કરવાની અબાધિત સત્તા રહેશે. લાયક ઉમેદવારોને વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ [https://gpsc.gujarat.gov.in](https://gpsc.gujarat.gov.in) અને GPSC-OJAS પોર્ટલ ([https://gpsc-ojas.gujarat.gov.in/](https://gpsc-ojas.gujarat.gov.in/)) જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોડ્યુલ મહેનતુ ઉમેદવારોને તેમની ક્ષમતા મુજબ ખાનગી અને જાહેર ક્ષેત્રમાં ખૂબ જ સારી નોકરી મેળવી આપવામાં મોટું મદદરૂપ બનશે.

(1:47 PM IST)