તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
રાજ્યપાલએ તલોદ તાલુકાના સુલ્તાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત રોનકભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલએ ગૌ દુગ્ધ દોહન કરી ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકો સાથે જોડાઈ દૂધ ભરાવી પશુપાલકોનો ઉત્સાહ વધાર્યો: રાજ્યપાલએ ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તલોદ તાલુકાના સુલ્તાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત રોનકભાઈ અજિતભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા અણિયોડ ગામના પશુપાલક અલ્પેશભાઈ કારાભાઈ પટેલના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અણિયોડ ગામની અર્બુદા દૂધ મંડળી ખાતે પશુપાલકો સાથે જોડાઈને દૂધ ભરાવી પશુપાલકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં બોરીયા (જગાપુર) ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રીમતી નંદાબેન રજનીભાઈના ઘરે સવારનો નાસ્તો કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂત રોનકભાઈ અજિતભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા.
રાજ્યપાલએ ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે.
રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસા બહાર જતા અટકશે. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પશુપાલકો સાથે સંવાદ દરમિયાન પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે પોતાના અનુભવો વહેંચ્યા હતા. તેમણે પશુઓની ઓલાદ સુધારણા, દૂધ ઉત્પાદન વધારવા તેમજ પશુપાલકોની આવકમાં વધારો કરવા માટે સેક્સ સોર્ટેડ સીમન ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આધુનિક ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને પશુપાલકો ગુણવત્તાસભર પશુધન તૈયાર કરી શકે છે. પશુપાલનમાં પરંપરાગત જ્ઞાન સાથે નવી ટેક્નોલોજીનો સમન્વય કરવામાં આવે તો પશુધનની ગુણવત્તા સુધારવાની સાથે દૂધ ઉત્પાદન અને પશુપાલકોની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો લાવી શકાય છે.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત લાલસિંહએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવ અને અનુભવ જણાવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
