<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૬૬માં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ : ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર મહાપુરુષોને નમન કરી રાજ્યની પ્રગતિ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

પ્રાકૃતિક ખેતી અને સામાજિક સમરસતા સાથે ‘વિકસિત ગુજરાત’નો સંકલ્પ કરવા રાજ્યપાલશ્રીનું આહવાન; મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના સંસ્કારોએ ગુજરાતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું હોવાનો ઉલ્લેખ

ગાંધીનગર તા.૩૦ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૬૬માં ‘ગુજરાત સ્થાપના દિવસ’ના પવિત્ર અવસરે રાજ્ય ઉપરાંત દેશ-દુનિયામાં વસતા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલશ્રીએ આ ગૌરવશાળી દિવસે ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર મહાપુરુષોને નમન કરી રાજ્યની પ્રગતિ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

 

રાજ્યપાલશ્રીએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત એ સંતો, શૂરવીરો અને કર્મયોગીઓની પવિત્ર ભૂમિ છે. મહાત્મા ગાંધીજીના સત્ય-અહિંસા, સરદાર વલ્લભભાઈ પટેલની અખંડિતતા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જ્ઞાનના વારસાએ ગુજરાતને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવી છે. 1 મે, 1960ના રોજ સ્થાપના બાદ ગુજરાતે પોતાના પરિશ્રમ અને પુરુષાર્થથી આજે વિકાસનું ‘ગ્લોબલ રોલ મોડલ’ સ્થાપિત કર્યું છે.

 

રાજ્યપાલશ્રીએ વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે ભૌતિક વિકાસની સાથે આપણે ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કટિબદ્ધ થવું પડશે. તેમણે રાજ્યના ખેડૂતોને ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવા આહવાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણના રક્ષણ અને આવનારી પેઢીને રોગમુક્ત રાખવાનો પવિત્ર માર્ગ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી રહી છે, ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે.

 

રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવા ગુજરાતના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, વાઈબ્રન્ટ ઇકોનોમી અને સ્પોર્ટ્સ હબ જેવી સિદ્ધિઓ સાથે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે અગ્રેસર રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ અને રોકાણની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે.

 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આહવાન કર્યું હતું કે આવો, આપણે સૌ સાથે મળીને એક એવું ગુજરાત બનાવીએ જે સમૃદ્ધ પણ હોય અને સંવેદનશીલ પણ હોય. આપણો દરેક નાગરિક સુખી, સંપન્ન અને સ્વસ્થ બને તે માટે આપણે ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને ચરિતાર્થ કરીએ. તેમણે સૌ નાગરિકોને સામાજિક સમરસતા જાળવવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. જય જય ગરવી ગુજરાત! ભારત માતા કી જય!

(5:09 PM IST)