તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી: કચ્છના ભોરારા અને વિરાણીયા ગામના અનુસૂચિત જાતિના પરિવારોનાઘેર ચા-નાસ્તો અને ભોજન કર્યુ
પરિવારજનો સાથે આત્મીય સંવાદ સાધી બાળકોના શિક્ષણથી ગૌ પાલન, પ્રાકૃતિક ખેતી સુધીની વાતો કરી : પરિવારજનોને લોકભવન આવવાનું આમંત્રણ આપ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલથી પર જઈ ગામડાના સામાન્ય પરિવારો સાથે આત્મીયતાની પળો વિતાવી સામાજિક સમરસતા અને સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે અનુસૂચિત જાતિના આશાભાઇ મહેશ્વરીના ઘરે જઈ પરિવાર સાથે સાદું ભોજન લીધું હતું. તે જ રીતે મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે અનુસૂચિત જાતિના કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરીના ઘરે સવારનો નાસ્તો કરી પરિવારજનો સાથે રોજિંદા જીવન, રોજગાર અને શિક્ષણ અંગે હળવાશભરી વાતચીત કરી હતી. રાજ્યપાલશ્રીએ બાળકોનું શિક્ષણ કોઈપણ સંજોગોમાં ન છૂટે અને તેમને ઉચ્ચ શિક્ષણ અપાવવા પરિવારજનોને અનુરોધ કર્યો હતો. કાનજીભાઈના પરિવાર દ્વારા ગાયપાલન કરવામાં આવતું હોવાનું જાણી રાજ્યપાલશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા હતા અને ફળફળાદી ઉગાડવા માર્ગદર્શન આપ્યું હતું. બંને પરિવારોને ગાંધીનગરના લોકભવન ખાતે ભોજન માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.
ગામના સાદા ઘરમાં બેસીને પરિવાર સાથે ભોજન-નાસ્તો કરનાર રાજ્યપાલશ્રીની આ મુલાકાતે પદની ઊંચાઈ કરતાં માનવતાની ઉષ્મા વધુ મોટી હોય છે તેવો સંદેશ આપ્યો હતો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
