તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભરૂચ જિલ્લાની મુલાકાતે: અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે કર્યું વૃક્ષારોપણ
ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનતા રાજ્યપાલ: સમાજને રોગમુક્ત અને સુંદર રાખવામાં પાયાનું યોગદાન આપનારા સ્વચ્છતા કર્મીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે વિશેષ સન્માન કરાયું

ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાંજે અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરીયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે, વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. તેમણે શિસ્તબદ્ધ સલામી ઝીલી હતી. ગામની સુવિધાઓનું નિરીક્ષણ કરીને રાજ્યપાલ નવા કાંસિયા ગામની માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતાથી પ્રભાવિત થયા હતા. તેમણે શેરીમાં ઉભેલા લોકોના ખબર અંતર પૂછીને આત્મીય સંવાદ કર્યો હતો.
આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલએ ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે જંયતિ મોદી ફળિયામાં સફાઇ કરી હતી, ગામ લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમણે ગામને સ્વચ્છ રાખવા ગ્રામજનોને અપીલ કરી તથા રાત્રિ સભામાં ઉપસ્થિત રહેવા ગામ લોકોને આમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગને વધુ અર્થસભર બનાવતા, 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત સમાજને રોગમુક્ત અને સુંદર રાખવામાં પાયાનું યોગદાન આપનારા સ્વચ્છતા કર્મીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા કર્મીઓની સેવાભાવનાને બિરદાવી તેમની કામગીરીને અદકેરું ગૌરવ અને ભગવાનની માફક પ્રકાશ પાથરતું કામ ગણાવ્યું હતું.
રાજ્યપાલએ જિલ્લાની મુલાકાત તથા તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક તાલુકાની મુલાકાત દરમિયાન કોઈ એક ગામની પસંદગી કરે છે. ત્યાં જઈને ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરે છે અને સ્વચ્છતા અભિયાન ચલાવે છે. ત્યારબાદ ગામના અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારને ત્યાં રાત્રી ભોજન કરે છે. ભોજન બાદ રાતે ગ્રામજનો સાથે ગ્રામ ઉત્થાનના વિવિધ વિષયો પર સંવાદ કરે છે. સરકારી શાળામાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કરે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે જઈને ગૌ દુગ્ધ દોહન કરે છે, ખેતરનું નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપે છે. તાલુકાના તમામ ગામોના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કરે છે.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, ગ્રામ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
