તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બિરદાવી : મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ લોકભવન ખાતે લીધી શુભેચ્છા મુલાકાત
નિયુક્તિ સમયે 14 મહિને થતી અપીલોની સુનાવણી હવે 30 દિવસમાં નિકાલ થાય છે, આયોગની ઝડપી કામગીરી અને અગત્યના પગલાંની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરી પ્રશંસા

ગાંધીનગર, તા. 5 : ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બિરદાવી છે. રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીની આગેવાની હેઠળ આયોગના સર્વ કમિશનરશ્રીઓ શ્રી સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા અને આયોગના અધિકારીઓએ તા. 04/05/2026ના રોજ લોકભવન ખાતે રાજ્યપાલ મહોદયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન માનનીય રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું કે તેમની નિયુક્તિ સમયે પડતર અપીલોની સુનાવણી 14 મહિના પછી કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને હવે માત્ર 30 દિવસમાં જ અપીલ/ફરિયાદની સુનાવણી કરવામાં આવી રહી છે.
આ માટે આયોગ દ્વારા લેવામાં આવેલ અગત્યના પગલાં જેવા કે અપીલો/ફરિયાદોના નિકાલ માટે ખાસ ઝુંબેશ, સહભાગીઓને માહિતીનો અધિકાર અધિનિયમની સરળ અને ઝડપી સમજ આપવા માટેની વ્યવસ્થા અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આયોગની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને નાગરિકોને સમયસર ન્યાય મળે તે માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આયોગ દ્વારા નાગરિકોને અસરકારક સમજ આપવા માટે જુદી-જુદી બુકલેટ્સનું પ્રકાશન, ઓડિયો-વીડિયો મટીરીયલ્સનું નિર્માણ, માહિતીનો અધિકાર અધિનિયમ સપ્તાહની વ્યાપક ઉજવણી અને તેનું રાજ્યવ્યાપી લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું છે. સાથે જ RTIના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને ભલામણો પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, આયોગની વેબસાઇટનું નવીનીકરણ, સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ વગેરે વિગતો આવરી લેતું પ્રેઝન્ટેશન રાજ્યપાલશ્રી સમક્ષ રજૂ કરાયું હતું. આયોગ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલ “માહિતીનો અધિકાર, બે દાયકાની સફર” પુસ્તક, છેલ્લા બે વર્ષના ગૃહ સમક્ષ રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલ અને લઘુપુસ્તિકાઓ પણ રાજ્યપાલશ્રીને પ્રસ્તુત કરવામાં આવી હતી.
આદરણીય રાજ્યપાલશ્રીએ આયોગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પરત્વે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને નાગરિકોને સમયસર માહિતી મળી રહે તે માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
