News of Sunday, 6th September 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તલોદના અણિયોડ ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય સંવાદ
રાજ્યપાલએ સાદગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા અણિયોડ ગામના અનુસૂચિત જાતિના ખેડૂતના ઘરે સાદું રાત્રિભોજન લીધું:આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે: રાજ્યપાલશ્નું આહવાન :રાજ્યપાલએ અણિયોડ પ્રાથમિક વિદ્યાલય ખાતે જ રાત્રિ મુકામ કર્યો

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અણિયોડ પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો.
સાદગી અને ઉચ્ચ વિચારોનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલશ્રીએ રાત્રિ સભા પૂર્વે ગામના જ એક અનુસૂચિત જાતિના પ્રગતિશીલ ખેડૂત રેવાભાઈ મગનભાઈ નાડીયાના નિવાસસ્થાને સાદું રાત્રિભોજન લીધું હતું. રાજ્યપાલને પરિવારજનો દ્વારા તૂરિયાનું શાક, મગની મોગર દાળ અને રોટલી પીરસવામાં આવી હતી. ભોજન દરમ્યાન રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે વડીલ સહજ સંવાદ પણ કર્યો હતો.
આ પ્રવાસ દરમ્યાન રાજ્યપાલએ અણિયોડ પ્રાથમિક વિદ્યાલય ખાતે સામાન્ય ઓરડામાં જ રાત્રિ મુકામ કર્યો હતો, જે તેમની સાદગી દર્શાવે છે.
આ રાત્રિ સભામાં ગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર સવિસ્તાર ચર્ચા કરતા તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. જો ગામડાં પ્રાકૃતિક ખેતી અપનાવતા થશે, તો આખું રાષ્ટ્ર આપોઆપ તંદુરસ્ત અને સમૃદ્ધ બનશે. રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો.
રાજ્યપાલએ ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અને તેમને પૂરેપુરો અભ્યાસ કરાવવા પર ભાર મૂક્યો હતો. બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવશો તો તે ધન એકઠું કરી લેશે પણ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. એટલે બાળકોને સંસ્કારી બનાવવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો. તેમણે વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું હતું.
રાજ્યપાલએ વિશેષ રૂપે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "આજની દીકરીઓએ દેશ અને દુનિયામાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કીર્તિમાન સ્થાપિત કરીને દેશનું નામ રોશન કર્યું છે. જો દીકરી શિક્ષિત બનશે તો તે બે કુળને રોશન કરશે અને સમગ્ર સમાજનો ઉદ્ધાર થશે." આથી તેમણે દરેક માતા-પિતાને પોતાની દીકરીઓને વિના સંકોચે પૂરતું શિક્ષણ અપાવવા અને તેમને આગળ વધવાની તક આપી સ્વાવલંબી બનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ વિવિધ કાર્યક્રમોમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગામના સરપંચ કૈલાશબા વાઘેલા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
