News of Thursday, 5th November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહપરિવાર મહીસાગર જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલએ સહપરિવાર બાલાસિનોરના જોરાપુરા ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

મહીસાગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, તેમના ધર્મપત્ની લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પુત્રવધૂ કવિતાજી અને પૌત્ર આર્યમને બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામના અનુસૂચિત જાતિ પરિવારના અંબાલાલ ચીમનભાઈ સાધુબાવાના ઘરે મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ પોતાના પરિવાર સાથે અંબાલાલભાઈના પરિવારજનો સાથે બેસીને પ્રેમપૂર્વક સાદા દેશી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
રાજ્યપાલ તેમજ તેમના પરિવારજનોએ અત્યંત સહજતા, સરળતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાર્તાલાપ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પરિવારના મોભી અંબાલાલભાઈ તેમજ તેમના પરિવારજનો સાથે સાહજિક સંવાદ સાધીને રાજ્યપાલએ તેમના દૈનિક જીવન, રોજગાર અને જીવનનિર્વાહ વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.
પરિવારજનો દ્વારા પીરસાયેલા પરંપરાગત અને સાત્વિક ભોજનનો આનંદ માણતા રાજ્યપાલએ પરિવારની ઉષ્માભરી મહેમાનગતિની મુક્ત મને પ્રશંસા કરી હતી. રાજ્યપાલના સપરિવાર આગમન અને તેમના સ્નેહપૂર્ણ તેમજ સાદગીભર્યા વ્યવહારથી પરિવારજનો ભાવવિભોર થઈ ગયા હતા.
આ પ્રસંગે રાજ્યપાલએ અંબાલાલભાઈ અને તેમના સમગ્ર પરિવારને લોકભવન ખાતે પધારવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવ્યું હતું
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
