<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હલદરવા ગામે આદિજાતિ પરિવાર સાથે આત્મીય સંવાદ કરી સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

હલદરવા ગામના મુકેશભાઈ વસાવાના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરી જીવનશૈલી અને રોજગાર અંગે જાણકારી મેળવી

ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ તાલુકાના હલદરવા ગામની મુલાકાત દરમિયાન આદિજાતિ પરિવારના મુકેશભાઈ ઈશ્વરભાઈ વસાવાના નિવાસસ્થાને પધારી પરિવારજનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. રાજ્યપાલએ પરિવાર સાથે સહજતાપૂર્વક સંવાદ સાધી તેમની જીવનશૈલી, રોજગાર તેમજ દૈનિક જીવન અંગે રસપૂર્વક જાણકારી મેળવી હતી.

રાજ્યપાલએ મુકેશભાઈ વસાવાના પરિવારજનો સાથે હળવાશભર્યો અને આત્મીય સંવાદ કરી પરિવારના સભ્યોના જીવનનિર્વાહના સાધનો, ખેતી-પશુપાલન તેમજ ગ્રામ્ય જીવન અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે પરિવારજનો સાથે ઘરઆંગણે બેસી ગ્રામ્ય પરંપરા મુજબ સાદા ભોજનનો પણ આત્મીયતાપૂર્વક આસ્વાદ માણ્યો હતો

રાજ્યપાલએ પરિવારના સૌ સભ્યોને લોકભવન-ગાંધીનગરનું આતિથ્ય માણવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલના આત્મીય અને સરળ વ્યવહારથી પરિવાર આનંદિત થઈ ગયો હતો.

આ તકે પરિવારના સભ્યએ કહ્યું હતું કે, રાજ્યપાલ અમારા આંગણે પધાર્યા અને અમારી સાથે ભોજન કર્યું એ અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. રાજ્યપાલની આ સહજ મુલાકાત બદલ પરિવારજનોએ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

(9:18 PM IST)