News of Friday, 10th July 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૧૨ અને ૧૩ જુલાઈએ જામનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે : કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
જામનગર અને લતીપુર ખાતે ખાટલા પરિષદ, પ્રાકૃતિક કૃષિ કેન્દ્રનું ઉદ્ઘાટન, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ ખેડૂતો સાથે પરિસંવાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું કરાયું સુચારુ આયોજન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૧૨ અને ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારવાના છે. આ પ્રવાસના સુચારુ અને સફળ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યપાલના પ્રવાસ દરમિયાન રાખવાની થતી સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, વાહન વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળોની પૂર્વ તૈયારીઓ, સ્વચ્છતા, પાર્કિંગ, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના પરસ્પર સંકલન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા તથા સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે કડક સૂચનાઓ આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના બે દિવસના જામનગર પ્રવાસ દરમિયાન પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન, ગ્રામસભા, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો સાથેના પરિસંવાદ સહિતના અનેકવિધ મહત્વના લોકાભિમુખ કાર્યક્રમોમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે.
તા. ૧૨ જુલાઈના પ્રથમ દિવસના કાર્યક્રમોની રૂપરેખા:
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તા. ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૯:૧૫ કલાકે જામનગર એરપોર્ટ ખાતે આગમન કર્યા બાદ રાજ્યપાલ લાખાબાવળ સ્થિત વેદગર્ભવિહારની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન જામનગર સ્થિત ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાનાર ગર્ભવિજ્ઞાન, ગર્ભસંસ્કાર, ડૉક્ટર ટ્રેનિંગ દીક્ષાંત અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
બપોરે ૧૧:૫૦ કલાકે તેઓ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પહોંચીને ત્યાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે ૬:૩૫ કલાકે તેઓ ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે જશે, જ્યાં કોલોની વિસ્તારમાં સિંચાઈ વિભાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે. વૃક્ષારોપણ બાદ તેઓ લતીપુરના ચભાડિયા શેરી વિસ્તારમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને જોડાશે. રાત્રિના સમયે લતીપુર ખાતે ભોજન ગ્રહણ કર્યા બાદ અંદાજિત ૯:૦૦ કલાકે તેઓ સરકારી ઉચ્ચતર હાઈસ્કૂલ, લતીપુર ખાતે સ્થાનિક ગ્રામજનો અને નાગરિકો સાથે ‘ખાટલા પરિષદ’ અંતર્ગત સીધો સંવાદ યોજશે અને રાત્રિ રોકાણ કરશે.
તા. ૧૩ જુલાઈના બીજા દિવસના કાર્યક્રમોની રૂપરેખા:
મુલાકાતના બીજા દિવસે તા. ૧૩ જુલાઈના રોજ રાજ્યપાલ વહેલી સવારે ૫:૪૫ કલાકે લતીપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરશે. ત્યારબાદ તેઓ ગાય દોહનની પ્રક્રિયા નિહાળશે. સવારે ૭:૦૦ કલાકે લતીપુરના પ્રગતિશીલ ખેડૂત બલદેવભાઈ ખાત્રાણીના પ્રાકૃતિક ખેતી ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં અન્ય ખેડૂતો સાથે કૃષિ સંવાદ કરશે.
ત્યારબાદ સવારે ૯:૪૫ કલાકે તેઓ ધ્રોલ સ્થિત જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ખાતે પહોંચશે. જ્યાં તેઓ પ્રાકૃતિક ખેતી પ્રદર્શન ખુલ્લું મૂકી તેની મુલાકાત લેશે અને ઉપસ્થિત કૃષિકારો સાથે પરિસંવાદ કરશે. આ જ સ્થળે તેઓ કૃષિસખી અને સીઆરપી (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) બહેનો સાથે પણ વિશેષ સંવાદ કરીને માર્ગદર્શન પૂરું પાડશે. રાજ્યપાલના આ મહત્વના પ્રવાસને લઈને સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
