<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભાડા વિધેયક બીલના વિરોધમાં સરકારે લેખીત ખાતરી નહી આપતા આજથી સમગ્ર ગુજરાતભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ

કાયદા મંત્રીએ ૧૦ દિવસમાં ત્રુટિઓ નિવારવા હૈયાધારણ આપી પરંતુ લેખીત નહિ આપતા વકીલોની લડત ચાલુઃ આજે અમદાવાદમાં બાઇક રેલી નિકળીઃ રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા સહિત રાજયભરમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહયા

અમદાવાદ, તા., પઃ ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ ના વિરોધમાં ગુજરાતભરમાં ચાલી રહેલા વકીલોના આંદોલનમાં આવતીકાલ-સોમવારથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન અપાયું છે ત્‍યારે આજે સવારે રાજ્‍યના કાયદા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત બાર કાઉન્‍સિલના ચેરમેન સહિતના હોદ્દેદારો સાથે એક તાકીદની વર્ચ્‍યુઅલ બેઠક યોજી તેમને હૈયાધારણ આપી હતી. કાયદા મંત્રીએ બાર કાઉન્‍સીલના હોદેદારોને જણાવ્‍યું હતું કે સરકાર નવા ભાડા  વિધેયકમાં જે કોઇ ત્રુટિઓ રહી ગઇ હશે તેના નિવારણ માટે એક ઉચ્‍ચ સ્‍તરીય કમીટીની રચના કરશે અને આગામી દસ દિવસમાં તેનું નિરાકરણ લાવશે. કાયદા મંત્રીએ સભ્‍યોને વકીલઆલમની હડતાળ સમેટી લેવા અનુરોધ કર્યો હતો. જો કે, સાંજ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે ખાતરી નહી આવતાં આજથી શરૂ થનારી અચોક્કસ મુદતની હડતાળ યથાવત્‌ રાખવાનો આક્રમક નિર્ણય ગુજરાત બાર કાઉન્‍સીલ અને રાજયના વકીલ મંડળોએ લીધો છે.

આજથી સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ સહિત દરેક મેટ્રોસીટી અને તાલુકા કક્ષાએ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહયા હતા.

આજે સોમવારથી વકીલોની રાજયભરમાં અચોક્કસ મુદતની હડતાળ હોવાને લાખો પક્ષકારોનું ન્‍યાયિક હિત પર ગંભીર અને જોખમી અસરો પડવાની હોવાથી આજે રાજયના કાયદામંત્રી હર્ષ સંઘવીએ સવારે ૧૨-૧૫ વાગ્‍યાની આસપાસ ગુજરાત બાર કાઉન્‍સીલના ચેરમેન, કો-ચેરમેન સહિતના હોદ્દેદારો સાથે એક અરજન્‍ટ મીટીંગ વર્ચ્‍યુઅલી બોલાવી હતી અને તેમાં બાર કાઉન્‍સીલના તમામ સભ્‍યો સાથે લગભગ દસેક મિનિટ ચર્ચા કરી તેમની માંગણી અને રજૂઆત પરત્ત્વે ચર્ચા કરી હતી. કાયદામંત્રીએ બાર કાઉન્‍સીલના હોદ્દેદારોને આશ્વાસન અને હૈયાધારણ આપ્‍યા હતા કે, વકીલઆલમના હિતમાં નવા ભાડા વિધેયકમાં જે કોઈ ત્રુટિઓ રહી ગઇ હશે તેની પર ચર્ચા વિચારણા કરી વકીલઆલમની સમસ્‍યાનું યોગ્‍ય રીતે નિરાકરણ લાવવામાં આવશે.

જો કે, સાંજ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે વકીલઆલમની માંગણીઓ. પરત્‍વે હકારાત્‍મક અભિગમ નિર્ણય લેવાશે તેવી હૈયાધારણ કે ખાતરી બાબતે કોઈ જાહેરાત નહી થતાં ગુજરાત બાર કાઉન્‍સીલ સહિત રાજયના તમામ વકીલમંડળો દ્વારા આજથી આપેલી અચોક્કસ મુદતનીહડતાળનું એલાન યથાવત્‌ રાખવાની માંગણી કરી છે.

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ અગાઉ બાઇક રેલીનું આયોજન કર્યું પરંતુ પોલીસ તરફથી મંજૂરી નહી મળતાં આખરે આજે તા.૫ ઓકટોબરે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં સેંકડો વકીલો બાઇક રેલીમાં જોડાવાની શકયતા હતા. વકીલોની આ વિશાળ બાઇક રેલી સવારે ૧૧-૦૦ વાગ્‍યે સિટી સિવિલ કોર્ટ, ભદ્રથી નીકળી ઘી કાંટા સ્‍થિત મેટ્રો કોર્ટ નીકળી હતી. અને ત્‍યાંથી ઇન્‍કમટેક્‍સ જૂની હાઇકોર્ટ ખાતે ગ્રામ્‍ય કોર્ટમાં પહોંચી અને ત્‍યાંથી પણ વકીલો જોડાશે અને પછી સીધા ઇન્‍કમટેક્‍સ ચાર રસ્‍તા પાસે ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચીને વિશાળ બાઇક રેલી જાહેરસભામાં ફેરવી દેવામાં આવી હતી.

(2:24 PM IST)