News of Tuesday, 21st July 2026
ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓની સમયસર હાજરી માટે સરકારની કડકાઈ : અધિક મુખ્ય સચિવ અંજુ શર્માના આદેશ બાદ પ્રવેશદ્વારે ચેકિંગ : મોડા આવનાર કર્મચારીઓની નોંધ લેવાઈ
સામાન્ય વહીવટ વિભાગની આ કાર્યવાહી બાદ સચિવાલયમાં કર્મચારીઓ સમયસર હાજર રહે અને સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ બને તે માટે સરકાર દ્વારા કડક વલણ

ગાંધીનગર તા.૨૧ : ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સચિવાલયમાં સરકારી કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ અંજુ શર્માના નિર્દેશ બાદ સરકારના સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ નિયત સમયસર ફરજ પર હાજર થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન સચિવાલયના બ્લોક નં. 1થી 14 સુધીના વિવિધ વિભાગોના પ્રવેશદ્વાર પર કર્મચારીઓના ઓળખકાર્ડ (આઈ-કાર્ડ) તેમજ હાજરી અંગે સઘન ચકાસણી કરવામાં આવી હતી. કર્મચારીઓ નિર્ધારિત સમયમર્યાદામાં ઓફિસમાં પહોંચે છે કે નહીં તેની સ્થળ પર જ ખાતરી કરવામાં આવી હતી.
સચિવાલયમાં તપાસ દરમિયાન મોડા પહોંચેલા સરકારી કર્મચારીઓની અલગથી નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સચિવાલયમાં સમયપાલન, શિસ્ત અને નિયમિતતા જાળવવાનો હોવાનું માનવામાં આવે છે.
સામાન્ય વહીવટ વિભાગની આ કાર્યવાહી બાદ સચિવાલયમાં કર્મચારીઓ સમયસર હાજર રહે અને સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ બને તે માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાના સંકેત મળ્યા છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
