<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બાળ અધિકારોના રક્ષણ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ ખભેખભા મિલાવી કામ કરે છે: શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

ગાંધીનગરમાં ‘બાળ અધિકારો: પ્રશ્નો અને પડકારો’ વિષય પર રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો, મેયર મીરાબેન પટેલ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપસ્થિત; ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે કહ્યું- બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરવું સામૂહિક જવાબદારી

ગાંધીનગર, તા. 7 : ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધીનગર ખાતે ‘બાળ અધિકારો: પ્રશ્નો અને પડકારો’ વિષય પર એક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશોપમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

વર્કશોપને સંબોધતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે જેવી રીતે કુંભાર માટીના પિંડને ઘાટ આપી સુંદર પાત્ર બનાવે છે, તેવી જ રીતે બાળકોના જીવન ઘડતરમાં સંસ્કાર અને સુરક્ષાનું સિંચન કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના હક્કોના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બાળ અધિકારોના રક્ષણ માટે સરકાર સાથે સામાજિક સંસ્થાઓ ખભેખભા મિલાવી કાર્ય કરી રહી છે તે ખૂબ પ્રશંસનીય છે.

 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે રોડ સાઈડ કે બાંધકામની સાઈટ પર શ્રમિકોના બાળકો જ્યારે અસહાય સ્થિતિમાં જોવા મળે છે ત્યારે તેમના શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતા કરવી અનિવાર્ય બને છે. શ્રમિકોના બાળકોને ડિજિટલ માધ્યમથી ઝડપી ન્યાય અને સહાય મળી રહે તે માટે શ્રમ વિભાગ દ્વારા 'શ્રમ સેતુ પોર્ટલ' અને 'શ્રમિક સહાયક કોલ સેન્ટર' જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમણે બાળ લગ્ન જેવી સામાજિક બદીઓને જડમૂળથી ઉખેડવા માટે જનજાગૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો.

 

આ પ્રસંગે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં તેમનું યોગદાન પાયાનું રહેવાનું છે. બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા માટે જ્યારે આપણે રાષ્ટ્રને લક્ષમાં રાખીને કાર્ય કરીએ છીએ ત્યારે તે ખરા અર્થમાં સાર્થક બને છે. આયોગ, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરી બાળકોના અધિકારોને વધુ સશક્ત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

 

તેમણે ઉમેર્યું કે આયોગ માત્ર ફરિયાદો પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાજ્યના ખૂણે ખૂણે જઈને શાળાઓ, આંગણવાડીઓ અને સંસ્થાઓમાં બાળકોના અધિકારોનું હનન ન થાય તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં આયોગની ટીમે વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને છેવાડાના બાળકો સુધી સરકારી યોજનાઓ પહોંચે તેવા પ્રયાસો કર્યા છે.

 

ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર, ગાંધીનગર ખાતે આયોજિત આ વર્કશોપમાં વિશેષ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ, સિવિલ સોસાયટીઓ અને NGOsને વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા બાળ અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોના અધિકારો સામે આવતા વર્તમાન પડકારોની ચર્ચા અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરીના અનુભવો શેર કરવાનો હતો.

 

આ પ્રસંગે ગુજરાતને ગૌરવ અપાવનાર અમદાવાદની દીકરી કુ. માહી ભટ્ટને મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

 

કાર્યક્રમમાં આયોગના સચિવ ડી.ડી. કાપડિયા, મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરના કમિશનર જે. એન. વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, આયોગના સભ્યો વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા અને કમલેશ રાઠોડ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 PM IST)