<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરત શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદના 'રેડ એલર્ટ' વચ્ચે સરકારી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં : આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સમીક્ષા કરી નાગરિકોને ૨૪ કલાક ઘરમાં જ રહેવા અપીલ કરી

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પરિસ્થિતિનું મોનિટરિંગ વધાર્યું : શાળા-કોલેજો, ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ફેક્ટરીઓમાં રજા જાહેર : નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર શરૂ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સજ્જ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: સુરત શહેર તથા સમગ્ર જિલ્લામાં કલાકના ૩૦ કિલોમીટરની ઝડપે ફુંકાનારા તીવ્ર પવન અને ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની 'રેડ એલર્ટ'ની આગાહીને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર તેજસ પરમારે મંત્રીને જિલ્લાભરમાં ચાલી રહેલી રાહત, બચાવ અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમની રાઉન્ડ ધ ક્લોક કામગીરીથી વાકેફ કર્યા હતા.

 

 ૨૪ કલાક ઘરમાં રહેવા, નદી-ખાડી કિનારે ન જવા અને જરૂરી પુરવઠો સાચવી રાખવા અપીલ:

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નાગરિકોની સુરક્ષાને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી કે આગામી ૨૪ કલાક સુધી અત્યંત જરૂરી કામ સિવાય ઘરો કે સુરક્ષિત સ્થળોએથી બહાર ન નીકળવું. ખાડી કે નદી કિનારે પાણી જોવા જવાની જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવું તથા પીવાનું પાણી અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો ૨૪ કલાક ચાલે તેટલો પુરવઠો વસાહતમાં રાખી લેવો.

 

 ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ યુનિટ્સ, શાળાઓમાં રજા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર:

મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સુરક્ષાના પગલે તમામ શાળા-કોલેજો, ટેક્સટાઇલ માર્કેટો, ડાયમંડ ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં રજા જારી કરવામાં આવી છે. ગત વર્ષે પાણી ભરાયા હોય તેવા વિસ્તારો સહિત વેલંજા, કીમ, કઠોર અને ગોથાણ જેવા સંવેદનશીલ નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને ત્વરિત સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.

 

 તમામ અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF સજ્જ અને આર્મીની ટીમની માંગણી:

સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, પોલીસ તંત્ર, પ્રાંત ઓફિસો અને ગ્રામ્ય સ્તરે તલાટી-મંત્રીઓ સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી ૨૪ કલાક ડ્યુટી પર તૈનાત રખાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યા મુજબ સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પાસે આર્મીની એક ટુકડીની પણ માંગણી કરવામાં આવી છે.

 

 સોશિયલ મીડિયાની અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી:

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સોશિયલ મીડિયા પર વહેતી ખોટી માહિતિઓ અને અફવાઓથી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે ઉમેર્યું કે કલેક્ટર કચેરી દ્વારા દર કલાકે જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતિને જ ધ્યાને લેવી. સોશિયલ મીડિયા પર પાયાવિહોણી અફવાઓ ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.

(1:51 PM IST)