તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સરકારી કર્મચારીઓ આનંદો : 2005 પહેલાના 60 હજાર જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ
પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ વિભાગોને પત્ર લખીને પાત્ર કર્મચારીઓની માહિતી તાકીદે મોકલી આપવા આદેશ

ગાંધીનગર :ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એક ખૂબ જ રાહતના અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર વર્ષ 2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વહીવટી કે કાનૂની કારણોસર મોડી નિમણૂક મેળવનારા અંદાજિત 60 હજાર જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ અંગે પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ વિભાગોને પત્ર લખીને પાત્ર કર્મચારીઓની માહિતી તાકીદે મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નાણા વિભાગના વર્ષ 2024ના ઠરાવ અને કેન્દ્ર સરકારના નિયમોને આધારે કઈ કેટેગરીના કર્મચારીઓ આ યોજના માટે પાત્ર ઠરશે તેની યાદી નીચે મુજબ છે:
ભરતી પ્રક્રિયાની સમયમર્યાદા: જે કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત અથવા પરીક્ષા પ્રક્રિયા 1 એપ્રિલ, 2005 પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી.
વહીવટી અને કાનૂની વિલંબ: જે ઉમેદવારોની નિમણૂક વહીવટી વિલંબ, કોર્ટ કેસ કે અન્ય કાનૂની ગૂંચવણોને કારણે 2005 પછી થઈ શકી હતી.
ફિક્સ પગારના કર્મચારીઓ: ફિક્સ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત થયેલા ચોક્કસ કર્મચારીઓ કે જેમની મૂળ ભરતી પ્રક્રિયા 2005 પહેલાની હતી.
નોંધનીય છે કે 1 એપ્રિલ, 2005 પછી સંપૂર્ણપણે નવી ભરતી પ્રક્રિયા (New Recruitment Process) હેઠળ નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. તેઓ NPS હેઠળ જ ચાલુ રહેશે.
પેન્શન નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, તમામ સરકારી કચેરીઓ અને વિભાગોએ સંબંધિત કર્મચારીઓનો ડેટા એક્સલ શીટમાં તૈયાર કરીને ઝડપથી સબમિટ કરવાનો રહેશે. આ પ્રક્રિયા માટે નીચેની વિગતો ચકાસવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
- કર્મચારીના PRAN / PPAN નંબરની વિગત.
- કર્મચારીના GPF (જનરલ પ્રોવિડન્ટ ફંડ) ખાતાની ચોક્કસ વિગતો.
- સેવા નિવૃત્તિ અંગેના જરૂરી સરકારી દસ્તાવેજોની ચકાસણી.
- સરકારે આ કામગીરીને અર્જન્ટ કેટેગરીમાં મૂકી છે જેથી કરીને લાયકાત ધરાવતા સરકારી સેવકોને સમયસર જૂની પેન્શન યોજનાના માળખામાં ટ્રાન્સફર કરી શકાય.
ગુજરાતમાં વર્ષોથી કર્મચારી મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રજૂઆતો અને આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે કર્મચારીઓની ભરતી 2005 પહેલા શરૂ થઈ ગઈ હતી પરંતુ સરકારી તંત્રના ધીમા વહીવટના કારણે ઓર્ડર મોડો મળ્યો હતો, તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા હતા.
હવે જ્યારે સરકારે સત્તાવાર રીતે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, ત્યારે હજારો કર્મચારી પરિવારોમાં તેમના ભવિષ્ય અને નિવૃત્તિ બાદની સામાજિક સુરક્ષાને લઈને આશાનું નવું કિરણ જાગ્યું છે. આગામી દિવસોમાં વિભાગો દ્વારા ડેટા સબમિટ થયા બાદ પાત્ર ઉમેદવારોને ઓફિશિયલ ઓર્ડર ઇશ્યૂ થવાની પ્રક્રિયા વેગ પકડશે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
