<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ગુજરાત રાજ્યના યુવાનોને વૈશ્વિક કક્ષાની રોજગારલક્ષી તાલીમ આપવા માટે સરકાર સંકલ્પબદ્ધ : કોલેજના આખરી વર્ષ સાથે જ શોર્ટ-ટર્મ સ્કીલબેઝ કોર્ષથી યુવાનો માટે ખૂલશે પ્રગતિના દ્વાર : ૩,૩૭૨ ચોરસ મીટર વિસ્તારમાં ૧૩ થીયરી રૂમ, અદ્યતન સાધનોથી સજ્જ પ્રાયોગિક વર્કશોપ્સ અન્ય વહીવટી રૂમો સાથે આઈટીઆઇ બની સુવિધા સભર : કુંવરજીભાઈ બાવળિયા

યુવાધન વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ કૌશલ્ય મેળવી દેશ-વિદેશમાં રોજગારી મેળવે તે માટે સરકાર કટિબદ્ધ: રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિય : રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીના હસ્તે દહેગામમાં ₹૯ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત અદ્યતન ITI ભવનનું લોકાર્પણ : સોલાર, EV, AI અને રોબોટિક્સ જેવા ફ્યુચરિસ્ટિક ટ્રેડ્સનો સમાવેશ કરવા પર ભાર મૂકતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

ગાંધીનગર તા.૧૪ :  ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અંદાજે ₹૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સંપન્ન થયું હતું.   

‌        નવીન ભવનનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઈન્ડિયા’, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપવા રાજ્ય સરકાર મક્કમ પગલે આગળ વધી રહી છે. દહેગામ ખાતે અગાઉ મર્યાદિત સુવિધાઓ સાથે ભાડાના મકાનમાંથી કાર્યરત ITI હવે ₹૯.૫૦ કરોડથી વધુના ખર્ચે ૩,૩૭૨ ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં ૧૩ થીયરી રૂમ, અદ્યતન સાધનોથી સજ્જ પ્રાયોગિક વર્કશોપ્સ અને અન્ય વહીવટી રૂમો ધરાવતા સુવિધા સભર સ્વતંત્ર સરકારી ભવનમાં રૂપાંતરિત થઈ ચૂકી છે.

          તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં વર્તમાન સમયમાં ઝડપી ઔદ્યોગિકીકરણ થઈ રહ્યું છે અને અનેક આંતરરાષ્ટ્રીય તેમજ મલ્ટીનેશનલ કંપનીઓ રાજ્યમાં કાર્યરત થઈ રહી છે. ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબનું સક્ષમ અને કુશળ માનવબળ સ્થાનિક કક્ષાએ જ તૈયાર થાય તેવા હેતુસર દહેગામ ITIમાં ૧૦ થી વધુ રોજગારલક્ષી ટ્રેડ્સ ચલાવવામાં આવી રહ્યા છે. આસપાસની સ્થાનિક જરૂરિયાતો અને ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ નવા ટ્રેડ શરૂ કરવા અંગે જરૂરી સર્વે હાથ ધરાશે.

        મંત્રી શ્રી બાવળીયાએ કહ્યું કે, ચાલુ શૈક્ષણિક વર્ષથી ITIના તમામ તાલીમાર્થીઓને સરકાર તરફથી મફત યુનિફોર્મ આપવામાં આવશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત ઉદ્યોગોમાં ગુણવત્તાસભર ઉત્પાદન સાથે તાલીમાર્થીઓને આર્થિક પ્રોત્સાહન અને નોકરી દરમિયાન વધુ પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાનું નવું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા તેમણે દીકરીઓને વિશેષ અનુરોધ કર્યો હતો.

       તેમણે પેરેલલ શોર્ટ-ટર્મ કોર્સિસને શરૂ કરવા વિશે જણાવતા કહ્યું હતું કે, કોલેજના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છ મહિના અથવા એક વર્ષના શોર્ટ-ટર્મ કોર્સિસ શરૂ કરાશે, જેથી ડિગ્રી સાથે કૌશલ્યનું પ્રમાણપત્ર મેળવી આત્મનિર્ભર બની શકાય. આ સાથે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ સોલાર ટેક્નોલોજી,ઇલેક્ટ્રિક વાહનો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા આધુનિક ક્ષેત્રના ટ્રેડ્સને ભવિષ્યમાં વધુ પ્રોત્સાહન આપી શરૂ કરવા પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.

          આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી  કાંતિલાલ અમૃતિયાએ યુવા કલ્યાણ અને શિક્ષણ સુધારણાની દિશામાં નવા દ્રષ્ટિકોણને રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર આઈટીઆઈ ક્ષેત્રે ક્રાંતિકારી આયોજનો કરી રહી છે. અંદાજે ₹૯.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નૂતન સંકુલને જ્ઞાનના પવિત્ર મંદિર તરીકે આલેખતા તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે, ઉત્કૃષ્ટ બિલ્ડિંગની સાથે-સાથે આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું યોગ્ય ઘડતર થાય તે અત્યંત અનિવાર્ય છે.

        અધવચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા ધોરણ ૮ કે ૧૦ના વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં જોડીને ખાસ કૌશલ્યલક્ષી ટ્રેનિંગ આપવા પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું કે, વડનગર ખાતે ચાલતા સેન્ટરની જેમ અહીંના હોંશિયાર તાલીમાર્થીઓ પણ વિદેશી તેમજ રાષ્ટ્રીય કક્ષાની અગ્રણી કંપનીઓમાં આકર્ષક વેતન સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળવી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. બહેનો માટે બ્યુટી પાર્લર અને સીવણ ક્લાસ જેવા વિશિષ્ટ મહિલાલક્ષી કોર્સ ચલાવીને અને તાલીમાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડીને આઈટીઆઈ ક્ષેત્રને અદ્યતન હોસ્ટેલ અને સ્કિલ ડેવલપમેન્ટ સુવિધાઓથી સજ્જ કરવા માટે વિભાગ પૂર્ણ કટિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે.

       સમારોહમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે મંત્રીશ્રી બાવળિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અગાઉ જળ સંપત્તિ મંત્રી તરીકે તેમણે દહેગામમાં ₹૩૦૦ કરોડના ખર્ચે ૧૨ ચેકડેમ બનાવી વિસ્તારને પાણીદાર બનાવ્યો હતો. આજે આ ₹૯ કરોડથી વધુના ખર્ચે બનેલ ભવન પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું સાબિત થશે.

        સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંકુલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ રીબીન કાપીને અદ્યતન આઈ.ટી.આઈ. બિલ્ડીંગનું લોકાર્પણ કરી, સંકુલની વિવિધ પ્રયોગશાળાઓ અને વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર સંવાદ સાધ્યો હતો.

         આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય  કામિનીબેન, એપીએમસીના ચેરમેન  સુમેરુભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ નેહાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષલસિંહ ઝાલા, અધિક નિયામક ચંદ્રેશ રાઠવા તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ, આઈટીઆઈના આચાર્ય માનસી તેરૈયા, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:09 PM IST)