તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે ખુશખબર: ૩ ઓક્ટોબરથી વલસાડ અને સુરત વચ્ચે દોડશે નવી MEMU ટ્રેન!
દૈનિક નોકરિયાતો અને અવારનવાર મુસાફરી કરતા લોકો માટે રાહત: બપોરે ૧:૨૦ વાગ્યે વલસાડથી ઊપડીને સાંજે ૪:૪૦ વાગ્યે સુરત પહોંચશે ટ્રેન, તમામ મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

વલસાડ : દક્ષિણ ગુજરાતના રોજિંદા મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે ભારતીય રેલવે બોર્ડ તરફથી ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. વલસાડ અને સુરત વચ્ચે આગામી ૩ ઓક્ટોબરથી નવી મેમુ (MEMU) ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન શરૂ થવાથી વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના નાના-મોટા સ્ટેશનો વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરોની દૈનિક મુસાફરી વધુ સુલભ, ઝડપી અને આરામદાયક બની રહેશે.
રેલવે વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મેમુ ટ્રેન સેવા રોજેરોજ (દૈનિક ધોરણે) ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૬૯૧૪૯ વલસાડ-સુરત મેમુ દરરોજ બપોરે ૧:૨૦ વાગ્યે વલસાડ સ્ટેશનથી રવાના થશે અને વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈને સાંજે ૪:૪૦ વાગ્યે સુરત જંકશન પહોંચશે. આ નવી ટ્રેન સર્વિસ માટે બોરીવલી-વલસાડ મેમુના રેકનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ વડોદરા ખાતે કરવામાં આવશે.
તમામ નાના-મોટા સ્ટેશનોને આવરી લેતું સમયપત્રક
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન રૂટ પરના તમામ મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન વલસાડથી બપોરે ૧:૨૦ વાગ્યે નીકળીને ડુંગરી (૧:૩૫), જોરાવાસણ (૨:૦૩), અમલસાડ (૨:૦૯), બીલીમોરા (૨:૩૦), અંચેલી (૨:૩૯), વેડછા (૨:૫૮), અને ગાંધી સ્મૃતિ (૩:૦૯) પહોંચશે.
ત્યારબાદ ટ્રેન નવસારી (૩:૧૬), મરોલી (૩:૨૭), સચિન (૩:૩૫), ભેસ્તાન (૩:૫૫) અને ઉધના (૪:૦૩) સ્ટેશને અલ્પવિરામ લઈ સાંજે ૪:૪૦ વાગ્યે અંતિમ સ્ટેશન સુરત પહોંચશે. આ મેમુ ટ્રેન શરૂ થવાથી ખાસ કરીને બપોરના સમયે સુરત તરફ જતા મુસાફરોને ટ્રેનની ઉત્તમ સુવિધા મળી રહેશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
