તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 4th July 2026
વીજ ટાવર અને લાઇનથી પ્રભાવિત ખેડૂતો માટે ખુશખબર : જમીનના નુકસાન સામે હવે જંત્રીના બદલે 'બજાર ભાવના બમણા દરે' વળતર ચૂકવવાનો સરકારનો ઐતિહાસિક નિર્ણય : માત્ર ૨૪ કલાકમાં જ સત્તાવાર પરિપત્ર જાહેર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતની વ્યસ્તતા વચ્ચે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂત હિતમાં લીધેલા ક્રાંતિકારી નિર્ણયનો જીઆર (GR) ગણતરીના કલાકોમાં પ્રસિદ્ધ કરીને ત્વરિત કાર્યશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોની વર્ષો જૂની અને મહત્વની માંગણીનો સુખદ અંત લાવતા રાજ્ય સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં વીજ ટાવર ઊભા કરવા અથવા તો વીજ લાઇન પસાર થવાના કારણે જે ખેડૂતોની જમીન કે પાકને નુકસાન પહોંચે છે, તેમને અગાઉના સરકારી જંત્રીના જૂના દરોને બદલે 'પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે' એટલે કે સીધું ડબલ આર્થિક વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયની સૌથી મોટી અને વિશેષ બાબત એ છે કે, વહીવટી તંત્ર દ્વારા માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, જે સરકારની સુપરફાસ્ટ કાર્યશૈલી દર્શાવે છે.
વીઆઈપી મૂવમેન્ટ છતાં માત્ર ૨૪ કલાકમાં જ સત્તાવાર પરિપત્ર જાહેર:
સરકારના આ નિર્ણય અને આશ્ચર્યજનક સ્પીડ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતને કારણે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ભારે વ્યસ્તતામાં છે. આટલા મોટા આયોજન અને વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ જગતના તાતના આર્થિક હિતને ટોચની અગ્રતા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળના સભ્યો અને વિવિધ વિભાગના સચિવો વચ્ચે થયેલા અભૂતપૂર્વ સંકલનના કારણે જ આ ફાઇલ પર ત્વરિત મંજૂરી મેળવીને માત્ર ૨૪ કલાકની અંદર સત્તાવાર પરિપત્ર બહાર પાડી દેવાયો છે. ખેડૂતોના હિત માટે લેવાયેલા આ કદમમાં સહેજ પણ વિલંબ ન કરીને સરકારે પોતાની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાબિત કરી બતાવી છે.
જંત્રી પ્રથા નાબૂદ થતાં હજારો ધરતીપુત્રોને મળશે મોટો આર્થિક લાભ:
અત્યાર સુધી રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા ટાવર ઊભા કરવા બદલ જે વળતર અપાતું હતું તે સરકારી જંત્રી પર આધારિત હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આ બાબતે ખેડૂત સંગઠનો દ્વારા લાંબા સમયથી બજાર ભાવ મુજબ વળતર આપવાની રજૂઆતો થઈ રહી હતી. હવે સરકારે ખેડૂતોની આ ન્યાયી માંગ સ્વીકારીને 'બજાર ભાવના બમણા દર' નક્કી કરી દેતાં રાજ્યના હજારો ખેડૂતોને કિંમતી જમીન અને પાકના નુકસાન સામે સચોટ અને પોષણક્ષમ આર્થિક કવચ મળી રહેશે, જે તેમના આર્થિક સશક્તિકરણમાં ગેમ ચેન્જર સાબિત થશે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
