News of Tuesday, 14th April 2026
આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની સંભાવના:એકંદરે ચોમાસું 96 થી 98 ટકાની વચ્ચે રહી શકે: અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ વરસી શકે:ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ :ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાં ચોમાસાને લઈને પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતુ. જેમાં સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 12 થી 20 મેની વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જે બાદ ચોમાસું ધીમે-ધીમે દક્ષિણ ભારતની દિશામાં આગળ વધશે. આ દરમિયાન 17 મે અને જૂનની શરૂઆતમાં બંગાળનો સાગર અને અરબ સાગર સક્રિય થશે, જેના કારણે એક મજબૂત ટ્રફ બનશે, જે સારો વરસાદ લાવવામાં સહાયભૂત થશે.
જો ગુજરાતની વાત કરીએ તો, આ વર્ષે ગુજરાતમાં 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. મૃગશિર્ષ નક્ષત્રમાં પવનની ગતિ વધારે રહેવાથી વરસાદ પડી શકે છે.
આ વર્ષે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેશે. રાજ્યના કોઈ-કોઈ ભાગમાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું 96 થી 98 ટકાની વચ્ચે રહી શકે છે. ચોમાસામાં રાજ્યના કેટલાક ભાગોમાં 92 થી 94 ટકા વરસાદ પડી શકે છે.
ચોમાસામાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
મે માસમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે. તેમજ 8 થી 20 જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થઈ શકે છે. જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ ઓમાન તરફ ના ફંટાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવી જશે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
