News of Wednesday, 13th May 2026
ગાંધીનગર જિલ્લાના બેરોજગાર યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ૧૫ મેના રોજ ભવ્ય ‘મેગા રોજગાર મેળો’, ધો. ૧૦ પાસથી લઈ સ્નાતકોને મળશે મનગમતી નોકરી!
સેક્ટર-૨૫ના ગેઝિઆ એસોસિએશન હોલમાં જામશે ભરતી મેળો; ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો માટે ખાનગી કંપનીઓમાં સીધી પસંદગીની તક, જાણો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન

ગાંધીનગર, તા.૧૩: ગાંધીનગર જિલ્લાના નોકરીની શોધમાં ભટકતા યુવાનો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવા માટે આગામી ૧૫ મે, ૨૦૨૬ ના રોજ એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને કુશળ અને ઉત્સાહી ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.
કોણ ભાગ લઈ શકશે? લાયકાતના ધોરણો
આ ભરતી મેળામાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ગાંધીનગર જિલ્લાના જ ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા અથવા કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduate) થયેલા યુવાનો માટે અહીં વિપુલ તકો રહેલી છે. શારીરિક રીતે સશક્ત અને કામ કરવાની ઈચ્છા ધરાવતા તમામ યુવાનોને આ તકનો લાભ લેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સમય અને સ્થળની વિગત
રોજગાર મેળો સવારે ૧૦:૦૦ કલાકે શરૂ થશે. તેનું આયોજન ગેઝિઆ એસોસિએશન હોલ, સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ પોતાની સાથે બાયોડેટાની નકલો અને શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તેમજ તેની નકલો સાથે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ મેળામાં ભાગ લઈ શકશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન છે ફરજિયાત
ભરતી મેળામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ સરકારના 'અનુબંધમ પોર્ટલ' (anubandham.gujarat.gov.in) પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ જોબફેર માટેનો ખાસ આઈ.ડી. JF216622512 છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સામેલ થઈ શકશે. ગાંધીનગરના યુવાનો માટે પોતાના જ જિલ્લામાં કારકિર્દી ઘડવાની આ એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
