તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
શ્રમિકોના સંતાનો માટે ડૉક્ટર બનવાનો સુવર્ણ અવસર : ESIC ની વિશેષ તબીબી શિક્ષણ યોજના હેઠળ અમદાવાદ ખાતે ૨૫ MBBS બેઠકો અનામત
દેશભરમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે કુલ ૮૮૭ થી વધુ બેઠકો ફાળવાઈ : આર્થિક રીતે નબળા પરિવારો માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દેશના શ્રમિકો અને કર્મચારીઓના બાળકો માટે ઉચ્ચ તબીબી શિક્ષણ મેળવીને ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા વિશેષ તબીબી શિક્ષણ યોજના અમલી બનાવવામાં આવી છે. આ કલ્યાણકારી યોજના હેઠળ દેશભરમાં વીમિત શ્રમિકોના સંતાનો માટે કુલ ૮૮૭ થી વધુ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ સ્થિત ESIC મેડિકલ કોલેજ, નરોડા-બાપુનગર ખાતે કુલ ૫૦ MBBS બેઠકોમાંથી ૨૫ બેઠકો સીધી રીતે ફાળવવામાં આવી છે.
વર્ષ ૨૦૧૨થી કાર્યરત આ યોજના હેઠળ દેશભરની ૧૭ મેડિકલ, ૨ ડેન્ટલ, ૨ નર્સિંગ અને ૩ સરકારી કોલેજો મળીને કુલ ૨૪ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં સમગ્ર દેશમાં ૬૯૫ MBBS, ૨૮ BDS, ૬૦ B.Sc. નર્સિંગ અને ૧૦૪ પેરામેડિકલ બેઠકો અનામત રાખવામાં આવી છે. અમદાવાદ ખાતેની કોલેજમાં ગત વર્ષે તમામ ૨૫ બેઠકો ભરાઈ ગઈ હતી, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૮ જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
આ યોજના હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક MBBS અને BDS કોર્સની ટ્યુશન ફી માત્ર ૨૪,૦૦૦ રૂપિયા અને B.Sc. નર્સિંગ કોર્સ માટે વાર્ષિક ફી માત્ર ૧૦,૦૦૦ રૂપિયા નિયત કરવામાં આવી છે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા તદ્દન પારદર્શી છે અને તેમાં કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન લેવામાં આવતું નથી.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં શ્રમિક કલ્યાણની નીતિઓને વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે.
પ્રવેશ મેળવવાની પ્રક્રિયા:
૧. વાલી ESI યોજના હેઠળ નોંધાયેલા સક્રિય વીમિત કર્મચારી હોવા જરૂરી છે અને વિદ્યાર્થીએ NEET-UG પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ.
૨. ઉમેદવારે ESICની અધિકૃત વેબસાઈટ (www.esic.gov.in) પરથી ઓનલાઈન અરજી કરીને 'Ward of IP Certificate' મેળવવાનું રહે છે.
૩. પ્રમાણપત્ર મેળવ્યા બાદ મેડિકલ કાઉન્સિલિંગ કમિટીના પોર્ટલ પર ઓનલાઈન કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન કરાવીને અનામત બેઠકો પર સીધો પ્રવેશ મેળવી શકાય છે.
આર્થિક તંગી શ્રમિક પરિવારના તેજસ્વી સંતાનોની પ્રગતિમાં બાધક ન બને તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ESIC દ્વારા તમામ પાત્રતા ધરાવતા વીમિત કર્મચારીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ કોટાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
