તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
વિદેશની ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપી સોનાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ :મહેસાણાના ટ્રાવેલ્સ સંચાલક કિરીટ પટેલની ધરપકડ
એજન્ટ વિદેશમાં સોનું મેળવી મુસાફરોને વહેંચી દેતો :અબુ ધાબીની ફ્લાઇટમાંથી આવેલા 8 મુસાફરો પાસેથી ₹1.13 કરોડનું સોનું જપ્ત કરાયું હતું

અમદાવાદ કસ્ટમ્સના ‘એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે ગત ૨૧ જુલાઈના રોજ ફ્લાઇટ નંબર 3L111 દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવેલા એક પુરુષ ટૂર ઓપરેટર અને તેના ગ્રાહક મુસાફરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન મુસાફરોના ખિસ્સામાં છુપાવેલી ૨૪ કેરેટ સોનાની વસ્તુઓ (ચેઈન, પેન્ડન્ટ અને મણકા) મળી આવી હતી, જેનું કુલ વજન 770.33 ગ્રામ અને બજાર કિંમત ₹1,13,85,477 થાય છે. ટૂર ઓપરેટર સહિત મહેસાણાના આઠેય મુસાફરો પાસેથી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનું જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિદેશથી પોતાની વસ્તુ અહીં લઈ આવવાની શરતે મુસાફરોને વિદેશની ટિકિટમાં ₹15થી 20 હજારનું ડિસ્કાઉન્ટ આપી સોનાની દાણચોરી કરાવતા મહેસાણાની એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક કિરીટ પટેલની કસ્ટમ્સ વિભાગ દ્વારા મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગની ઝીણવટભરી તપાસમાં દાણચોરીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. મહેસાણાનો ટ્રાવેલ્સ સંચાલક કિરીટ પટેલ વિદેશની ટિકિટ કરાવવા આવતા ગ્રાહકોને વિદેશથી પોતાનો સામાન લઈ આવવાની શરતે ટિકિટમાં ₹15થી 20 હજારનું ડિસ્કાઉન્ટ આપતો હતો. તે આ મુસાફરો સાથે પોતાના એજન્ટને વિદેશ મોકલતો હતો, જ્યાં નક્કી કરેલા વ્યક્તિ પાસેથી એજન્ટ સોનું મેળવીને જુદા-જુદા મુસાફરોને અમદાવાદ લઈ આવવા માટે આપી દેતો હતો.
જુલાઈ મહિનાના કેસમાં ઝડપાયેલા મુસાફરો અને ટૂર એજન્ટની પૂછપરછના આધારે કસ્ટમ્સ વિભાગે કિરીટ પટેલને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પુરાવા મળતા મોડી સાંજે તેની ધરપકડ કરી હતી. કસ્ટમ્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી કિરીટ પટેલ અગાઉ વર્ષ ૨૦૨૪માં પણ ૨૭ મુસાફરો મારફતે સોનું મંગાવવાના ગુનામાં પકડાયો હતો; પરંતુ જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીવાર દાણચોરીનું આ નેટવર્ક શરૂ કર્યું હતું.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
