News of Monday, 19th October 2026
અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી ઝડપાઇ : દુબઈથી આવેલ મુસાફરની ટ્રોલી બેગમાં સોનાની પેસ્ટનું પડ છુપાવ્યું હતું
ઉત્તર પ્રદેશના ટાંડાના રહેવાસી આ મુસાફર પાસેથી 133.450 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના ચાંદીના દર દાગીનાથી માંડીને ગાંજાના જથ્થાની હેરાફેરી વધતી જાય છે. જોકે કસ્ટમ વિભાગના અધિકારીઓની બાજ નજરના કારણે દાણચોરોની અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટમાંથી દાણચોરી ઝડપાઇ રહી છે
અમદાવાદ કસ્ટમ્સના 'એર ઇન્ટેલિજન્સ યુનિટ' (AIU) ના અધિકારીઓએ 19 - 10 - 2026ના રોજ દુબઈથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર આવેલા એક મુસાફરને અટકાવ્યો હતો.
મુસાફરની ટ્રોલી બેગ (કેબિન બેગેજ) ની ઝીણવટભરી તપાસ દરમિયાન, બેગની અંદર લગાવેલો એક શંકાસ્પદ પેચ (ટુકડો) ધ્યાનમાં આવ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રોલી બેગની અંદર લગાવેલા કાપડના પેચ પર સોનાની પેસ્ટનું એક પડ (લેયર) છુપાવીને રાખવામાં આવ્યું હતું.
સોનાની પેસ્ટને અલગ કરીને તેને ઓગાળવામાં આવતા, તેમાંથી 133.450 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું, જેનું બજાર મૂલ્ય રૂપિયા 20, 12, 426 છે.
આ સોનાને 'કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફરની પ્રાથમિક પૂછતાછ માં તે ઉત્તર પ્રદેશના ટાંડાનો રહીશ હોવાની સાથે તેની ઉંમર 29 વર્ષની છે. તે કોની પાસેથી અને કોના માટે લાવ્યો હતો, અગાઉ કયારેક લાવ્યો હતો કે નહીં વગેરે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
