News of Saturday, 25th April 2026
મોડાસા નજીક હાઇવે પર ટ્રકને નિશાન બનાવી 1.10 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ:તપાસના નામે રોકી લૂંટી લીધા
અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ટ્રાન્સપોર્ટની ટ્રકને નિશાન બનાવી અંદાજે રૂ. 1.10 કરોડની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક હાઈવે પર લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ટ્રાન્સપોર્ટની ટ્રકને નિશાન બનાવી લૂંટારુઓએ અંદાજે રૂ. 1.10 કરોડની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી છે. સાયરા ગામ પાસે કારમાં આવેલા ચાર શખ્સોએ ટ્રકને અટકાવી, ડ્રાઈવરને ધાકધમકી આપી આ મોટી લૂંટને અંજામ આપ્યો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બનાવની વિગતો મુજબ, અમદાવાદના એક ટ્રાન્સપોર્ટની ટ્રક કિંમતી માલ-સામાન ભરીને રાજસ્થાન તરફ રવાના થઈ હતી. ટ્રક જ્યારે મોડાસાના સાયરા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક શંકાસ્પદ કાર ત્યાં આવી પહોંચી હતી. કારમાં સવાર ચાર શખ્સોએ "ટ્રક ચેક કરવાની છે" તેમ કહી ડ્રાઈવરને ગાડી ઉભી રાખવા મજબૂર કર્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ ટ્રકમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી.
લૂંટારુઓ અત્યંત આયોજનબદ્ધ રીતે આવ્યા હોવાનું જણાય છે, કારણ કે તેઓએ સીધી જ ડ્રાયવર શીટની પાછળ રાખેલા પાર્સલોને નિશાન બનાવ્યા હતા. આ લૂંટમાં આશરે 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી મુદ્દામાલની ચોરી થઈ છે. લૂંટાયેલા કુલ મુદ્દામાલની બજાર કિંમત અંદાજે રૂ. 1.10 કરોડ આંકવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ચારેય શખ્સો પોતાની કારમાં પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ માલિકે તાત્કાલિક મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક કરોડથી વધુની લૂંટની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને નાકાબંધી કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસને શંકા છે કે લૂંટારુઓને ટ્રકમાં કિંમતી સામાન હોવાની અગાઉથી જ ચોક્કસ માહિતી મળી હોવી જોઈએ.
હાઈવે પર ધોળા દિવસે અથવા મોડી રાત્રે બનતી આવી લૂંટની ઘટનાઓને કારણે ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આંતરરાજ્ય સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની માંગ ઉઠી છે. હાલમાં મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
