News of Monday, 16th November 2026
ફાગવેલના ભાથીજી મંદિરના મેળામાં દર્શન કરવા આવેલી વૃદ્ધ મહિલાની સોનાની ચેઈન તોડનાર આરોપી ઝડપાયો
કઠલાલ પોલીસે નડિયાદના વિજયભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો: આરોપી પાસેથી સોનાની ચેઈન, સુઝુકી જિકસર બાઈક અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ખેડા જિલ્લાના ફાગવેલમાં આવેલા સુપ્રસિદ્ધ ભાથીજી મંદિરના મેળામાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મેળામાં દર્શન કરવા આવેલી એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી અજાણ્યા શખ્સે ગળામાંથી સોનાની ચેઈન તોડી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, કઠલાલ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી તૂટેલી સોનાની ચેઈન સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, 14 નવેમ્બરના રોજ ફાગવેલના ભાથીજી મંદિર ખાતે મેળો ભરાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે ભીડનો લાભ લઈને એક શખ્સે દર્શન કરવા આવેલી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડી લીધી હતી. સોનાની ચેઈન તોડ્યા બાદ આરોપી કાળા રંગની સુઝુકી જિકસર મોટરસાઇકલ પર સવાર થઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે મેળામાં આવેલા લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
ચેઈન સ્નેચિંગની ઘટનાને ગંભીરતાથી લઈને કઠલાલ પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને કાળા રંગની સુઝુકી જિકસર બાઈક પર સવાર એક શખ્સ શંકાસ્પદ જણાતાં તેને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. આથી પોલીસને ચેઈન સ્નેચિંગના ગુનામાં મહત્વની કડી મળી હતી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઝડપેલા આરોપીની ઓળખ નડિયાદની ઈન્દિરાનગરીમાં રહેતા વિજયભાઈ જયંતીભાઈ વાઘેલા તરીકે થઈ છે. આરોપીની ઉંમર 32 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તેની પાસેથી અંદાજે 6 થી 7 ગ્રામ વજનની સોનાની તૂટેલી ચેઈન મળી આવી હતી. આ ચેઈનની અંદાજિત કિંમત રૂ.70 હજાર હોવાનું જાણવા મળ્યું છે.
કઠલાલ પોલીસે આરોપી પાસેથી સોનાની ચેઈન ઉપરાંત અંદાજે રૂ.1 લાખની સુઝુકી જિકસર બાઈક અને રૂ.650 રોકડા પણ કબજે કર્યા છે. આમ, પોલીસે કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
