તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ગુજરાતની લોકકલાનું વૈશ્વિક ગૌરવ : બારડોલીની દીકરી સુશ્રી ત્વિષા વ્યાસની કેન્દ્ર સરકારના પ્રતિષ્ઠિત 'ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર' માટે પસંદગી
લોકનૃત્ય ગરબા ક્ષેત્રે અપ્રતિમ સાધના અને નોંધપાત્ર યોગદાન બદલ સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના સર્વોચ્ચ સન્માનની જાહેરાત : વાયોલિન વાદનમાં ગોલ્ડ મેડાલિસ્ટ કલાકાર સંગીત અને નૃત્યનો અદભુત સેતુ બની નવી પેઢીને આપી રહી છે તાલીમ

બારડોલી:દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક નગર બારડોલીની સાંજ ઢળતા જ જ્યાં ગરબાના પરંપરાગત તાલ ગુંજી ઉઠે છે, તેવા માહોલમાં યુવા દીકરીઓને ગરબાના દરેક હાવભાવ, તાલ અને પગલાની બારીકીઓ ધીરજપૂર્વક સમજાવતા યુવા કલાકાર સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની રાષ્ટ્રીય સ્તરે સન્માનજનક પસંદગી થઈ છે. લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન એવા સમયે સાંપડ્યું છે જ્યારે થોડા વર્ષો પૂર્વે જ યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના પરંપરાગત ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ગરબા માત્ર મનોરંજન કે લોકનૃત્ય નહીં, પરંતુ એક જીવંત જીવનદર્શન:
બારડોલી ખાતે 'વી. કિલ્લોલકુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ નૃત્ય એકેડેમી' ચલાવતા સુશ્રી ત્વિષા વ્યાસ દ્રઢપણે માને છે કે, "ગરબા એ માત્ર એક લોકનૃત્ય નથી, પરંતુ તે આપણી આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખની જીવંત અભિવ્યક્તિ છે." આજનો યુવા વર્ગ જ્યારે ગરબાને માત્ર મનોરંજન કે વ્યાવસાયિક દ્રષ્ટિએ જોતો થયો છે, ત્યારે સુશ્રી ત્વિષા વ્યાસે ગરબાના મૂળ સ્વરૂપ, તેની પ્રાચીન પરંપરા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક અર્થને ઊંડાણપૂર્વક સમજવા માટે વર્ષો સુધી કઠિન સાધના કરી છે. તેમની આ જ પવિત્ર વિચારધારા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા આજે તેમની કલાયાત્રાનો મુખ્ય આધાર સ્તંભ બની છે.
અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક અને વાદ્ય સંગીતમાં અદ્ભુત નિપુણતા:
સુશ્રી ત્વિષા વ્યાસની પ્રતિભા માત્ર લોકનૃત્ય સુધી જ સીમિત નથી, પરંતુ તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેઓ માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (M.P.A) તેમજ ભરતનાટ્યમ નૃત્યમાં M.A - 'અલંકાર' ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ સાથે તેઓ એક ઉચ્ચ કક્ષાના વાયોલિન વાદક પણ છે, જેમણે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આનંદજી કલ્યાણ જેવા દેશના અગ્રણીઓ સમક્ષ વાયોલિન વાદનની મનમોહક પ્રસ્તુતિઓ કરીને પ્રશંસા મેળવી છે. વાયોલિન ઉપરાંત તેઓ મેન્ડોલિન, વાંસળી, હાર્મોનિયમ, તબલા જેવા અનેક વાદ્યો વગાડવામાં પણ સમાન રીતે નિપુણ છે. નૃત્ય અને સંગીત બંને ક્ષેત્રમાં પ્રાપ્ત આ વ્યાપક તાલીમે તેમને લય અને અભિવ્યક્તિની વિશિષ્ટ સમજ આપી છે, જે તેમની દરેક ગરબા પ્રસ્તુતિમાં સ્પષ્ટપણે ઝળકે છે.
રાજ્ય કક્ષાના મહોત્સવોથી લઈને રાષ્ટ્રીય મંચ સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ:
સુશ્રી ત્વિષા વ્યાસ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય તરણેતરનો મેળો, ચોટીલા ઉત્સવ, મોઢેરા ઉત્સવ, ડાકોર ફાગણોત્સવ, વસંતોત્સવ, વૈશ્વિક G-20 સમિટ, ગુજરાત ગૌરવ અભિયાન અને અંબાજી મહોત્સવ સહિતના અનેક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલાનું સફળ પ્રદર્શન કરી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ સરકારની વિવિધ સ્પર્ધાઓ જેવી કે કલા મહાકુંભ અને યુવા ઉત્સવમાં નિર્ણાયક (જજ) તરીકેની સક્રિય સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતની સરહદો ઓળંગીને તેમણે રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મણિપુર, કલકત્તા, ઝારખંડ અને મધ્ય પ્રદેશ જેવા ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતના ગરબા અને પરંપરાગત લોકસંસ્કૃતિનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
વારસાના જતન અને સંવર્ધનની સહિયારી જવાબદારી:
આ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન મળ્યા બાદ સુશ્રી ત્વિષા વ્યાસ જણાવે છે કે, આ એવોર્ડ તેમની કલાયાત્રાનો અંત નથી પરંતુ એક નવી અને મોટી જવાબદારીની શરૂઆત છે. આજના આધુનિક યુગમાં જ્યાં પરંપરાગત કલાઓ પોતાની ઓળખ જાળવવા મથામણ કરી રહી છે, ત્યારે નવી પેઢી ગરબાની પવિત્રતા અને તેની મૂળભૂત પરંપરાઓને અકબંધ રાખે તે ખૂબ જરૂરી છે. બારડોલીના ગરબાના ચોકથી શરૂ કરીને દેશના સર્વોચ્ચ યુવા કલા સન્માન સુધી પહોંચેલી સુશ્રી ત્વિષા વ્યાસની આ સફર એ સાબિત કરે છે કે શાંત સાધના, સખત પરિશ્રમ અને સંસ્કૃતિ પ્રત્યેની અડગ વફાદારી હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપે છે. પરંપરાઓ ત્યારે જ જીવંત રહે છે જ્યારે નવી પેઢી તેને ગૌરવપૂર્વક અપનાવી આગળ ધપાવે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
