તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ગાંધીનગરના શેરથા કસ્તુરીનગરમાં યુવતી પર હુમલો : આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ : જીવ બચાવવા આજીજી કરતી યુવતીનો વીડિયો વાયરલ
લોહીલુહાણ હાલતમાં યુવતી ‘મને છોડી દો, મને મારશો નહીં’ કહી આજીજી કરતી જોવા મળી, આસપાસના લોકો જોતા રહ્યા, વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં, આરોપીની ઓળખ અને ધરપકડને લઈ તપાસ તેજ

ગાંધીનગર તા.૧૭ : રાજધાની ગાંધીનગરમાંથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરથા કસ્તુરીનગર વિસ્તારમાં એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવતી લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે આજીજી કરતી જોવા મળી રહી છે.
વાયરલ થયેલા વીડિયોમાં યુવતીના આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થયેલી દેખાય છે. તેના ચહેરા અને કપડાં પર લોહીના ડાઘ જોવા મળે છે. યુવતી હાથ જોડીને “મને છોડી દો, મને મારશો નહીં” કહીને આજીજી કરતી સંભળાય છે.
વીડિયો જોઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે દિવસે દહાડે આ રીતે યુવતી પર હુમલો થાય અને આસપાસના લોકો માત્ર જોતા રહે તે ગાંધીનગર જેવા શહેર માટે શરમજનક છે.
હાલ પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો અંગત અદાવત કે પ્રેમ પ્રકરણને લઈને થયો હોવાની ચર્ચા છે, જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે હુમલાનું કારણ જાહેર કર્યું નથી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેની હાલત અંગે હજુ સત્તાવાર અપડેટની રાહ જોવાઈ રહી છે
વીડિયો વાયરલ થતા જ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી છે. શેરથા પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. હુમલો કરનાર આરોપીની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. યુવતીનું નિવેદન લઈને FIR નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
કસ્તુરીનગરના સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આરોપીને તાત્કાલિક પકડીને કડક સજા કરવામાં આવે, જેથી ફરી કોઈ યુવતી પર આ રીતે હુમલો કરવાની હિંમત ન કરે.
પોલીસે લોકોને વાયરલ વીડિયોને આગળ ફોરવર્ડ ન કરવા અને પીડિતાની ઓળખ જાહેર ન કરવા અપીલ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
