તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
મહેસાણા જિલ્લામાં ફરી ધૂણ્યું ભૂતીયા શિક્ષકનું ભૂત: દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય 2 વર્ષથી વિદેશમાં હોવાનો ખુલાસો
મહેસાણાની દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રગતિબેન છેલ્લા બે વર્ષથી ન્યૂઝીલેન્ડમાં હોવાનો ખુલાસો થયો :રજા પૂરી થયા છતાં પરત ન ફરતા શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ખોરવાયું

મહેસાણા જિલ્લામાં શિક્ષણ જગતમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની મંજૂર રજા પૂરી થયા બાદ છેલ્લા બે વર્ષથી વિદેશમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રગતિબેન મંજૂર રજાઓ પૂરી થયા બાદ ન્યૂઝીલેન્ડ થી પરત ફર્યા નથી, જેને કારણે શાળાનું વહીવટી અને શૈક્ષણિક કાર્ય લાંબા સમયથી પ્રભાવિત થઈ રહ્યું છે.
આચાર્યની આ પ્રકારની બેદરકારી અને ગેરહાજરીને કારણે શાળાના બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી છે. વહીવટી વ્યવસ્થા જાળવવા માટે ધોરણ 6ના શિક્ષકને આચાર્યનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, પરંતુ એક સાથે બેવડી જવાબદારી સંભાળતા શિક્ષકની ક્ષમતા અને સમયના અભાવે બાળકોના અભ્યાસક્રમ અને શિક્ષણ ગુણવત્તા પર માઠી અસર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આ બાબતે ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ ગંભીર મામલે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ ગંભીર નોંધ લીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી સાંખી લેવામાં આવશે નહીં અને ટૂંક સમયમાં જ જવાબદાર આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહેસાણા જિલ્લામાં લાંબી ગેરહાજરી ધરાવતા 3 જેટલા શિક્ષકોને તંત્ર દ્વારા બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે હવે આ નવા પ્રકરણમાં તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
