<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! ડિસેમ્‍બરના પહેલા અઠવાડિયામાં પડશે હાડ થીજવતી ઠંડી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વના પવનોને કારણે ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધ્‍યો

અમદાવાદ તા.૨૪: રાજ્‍યમાં હવે ધીમે ધીમે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે ગુજરાતના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્‍છનું નલિયા ૧૧.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્‍યનું સૌથી ઠંડું શહેર બન્‍યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ખાસ કરીને ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાની શક્‍યતા છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું છે. જ્‍યારે કંડલામાં ૧૩.૯ ડિગ્રી, અમરેલીમાં ૧૫.૪ ડિગ્રી અને ભુજમાં ૧૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ૧૬ ડિગ્રી, વડોદરામાં ૧૭.૮, ડીસા અને ગાંધીનગરમાં ૧૬.૮ ડિગ્રી, જ્‍યારે મહુવામાં ૧૭.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૮.૯ ડિગ્રી અને સુરતમાં ૨૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્‍તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્‍તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્‍હી સહિત ઉત્તર ભારતનાં અનેક રાજ્‍યોમાં ઠંડી વધી રહી છે. ગુજરાતમાં પણ ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ભારતનાં કેટલાક વિસ્‍તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે ૨૪ નવેમ્‍બર, ૨૦૨૬ માટે જાહેર કરેલા દૈનિક બુલેટિનમાં દેશનાં ૭ રાજ્‍યોમાં વરસાદની ચેતવણી આપી છે. દિલ્‍હી અને ઉત્તર પ્રદેશ સહિતના વિસ્‍તારોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્‍યતા છે. કેટલાક રાજ્‍યોમાં ધુમ્‍મસને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

અમદાવાદમાં આગામી ૫ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ રહેવાની શક્‍યતા છે. રાજ્‍યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ૨૪ નવેમ્‍બરે ગુજરાતમાં મુખ્‍યત્‍વે સ્‍વચ્‍છ આકાશ અને તડકાવાળું વાતાવરણ રહેવાની આગાહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ થશે, જ્‍યારે બપોરના સમયે તડકાને કારણે ગરમી રહેશે. હવામાનની આગાહી મુજબ મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહી શકે છે. વરસાદની સંભાવના શૂન્‍ય ટકા દર્શાવવામાં આવી છે. ભેજનું પ્રમાણ આશરે ૫૦ ટકા રહેશે, જ્‍યારે ઉત્તર-પૂર્વ દિશામાંથી ૧૧ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હાલ રાજ્‍યમાં ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્‍યતા છે. ખાસ કરીને ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. તેથી નાગરિકોએ બદલાતા હવામાનને ધ્‍યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.(૩૮.૫)

(11:13 AM IST)