તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરામાં સામાન્ય ચૂંટણી તેમજ પંચાયતો અને નગરપાલિકાઓની ખાલી બેઠકો પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
૧૬ સપ્ટેમ્બરથી આદર્શ આચારસંહિતા અમલી : ૧૧ ઓક્ટોબરે મતદાન અને ૧૩ ઓક્ટોબરે હાથ ધરાશે મતગણતરી : EVM દ્વારા યોજાશે ચૂંટણીઓ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા બ્લોક નંબર-૯, ૬ ઠ્ઠો માળ, સચિવાલય ખાતેથી અખબારી યાદી જારી કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાની ૧ બેઠક, છોટાઉદેપુર નગરપાલિકાની ૧ બેઠક, બાયડ નગરપાલિકાની ૧ બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૧ બેઠક તેમજ પડધરી, સતલાસણા અને હારીજ તાલુકા પંચાયતની ૧-૧ બેઠક મળીને કુલ ૭ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીઓની જાહેરાત થતાં જ તા.૧૬-૦૯-૨૦૨૬ના રોજથી સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
ચૂંટણી તારીખો અને સમયપત્રક:
આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ચૂંટણીની જાહેરાત ૧૬-૦૯-૨૦૨૬ના રોજ કરાઈ છે. જાહેરનામું તથા ચૂંટણીની નોટિસ ૨૧-૦૯-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૬-૦૯-૨૦૨૬ રહેશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮-૦૯-૨૦૨૬ના રોજ હાથ ધરાશે. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ૨૯-૦૯-૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. મતદાન ૧૧-૧૦-૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાશે. જરૂર જણાય તો પુનઃ મતદાન ૧૨-૧૦-૨૦૨૬ના રોજ યોજાશે. મતોની ગણતરી ૧૩-૧૦-૨૦૨૬ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૧૬-૧૦-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
ઉમેદવારો અને મતદારો માટે મહત્વની જોગવાઈઓ:
ચૂંટણીમાં લડતા ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવાં અંગેનું સોગંદનામું ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવીને અથવા આયોગની વેબસાઈટ https://sec.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરીને રજૂ કરવાનું રહેશે.
આ ચૂંટણીઓમાં તમામ મતદાન વીજાણુ મતદાન યંત્રો (EVM) દ્વારા કરવામાં આવશે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરાશે. મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. વાજબી કારણોસર EPIC રજૂ ન થઈ શકે તો રાજ્ય ચૂંટણી આયોગના નિયત કરેલ ૧૪ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી શકાશે.
કંટ્રોલ રૂમ અને સત્તાવાર સંપર્ક નંબરો:
ચૂંટણી અને મતગણતરીના દિવસો માટે રાજ્ય ચૂંટણી આયોગની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરો 079 23255951, 079 23255953, 079 23257381, 079 23257383 તથા ઈ-મેલ [email protected] છે.
આ ઉપરાંત આયોગના અધિકારીઓના ટેલિફોન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી (07923252888, 07923252327), સચિવશ્રી (07923252326, 07923252149), સંયુક્ત કમિશનરશ્રી (07923252146), નાયબ સચિવશ્રી (07923251241) અને નાયબ ચૂંટણી કમિશનરશ્રી (07923252147) નો સમાવેશ થાય છે.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી દ્વારા મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે અને સર્વે રાજકીય પક્ષો તથા જનતા તરફથી આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
