News of Sunday, 27th September 2026
ગુજરાતની ૧.૪ લાખ કરોડની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં Gen Z આંત્રપ્રિન્યોરની એન્ટ્રી : ૧૮ વર્ષના ગુજરાતી યુવાનનું સ્ટાર્ટઅપ સાણંદમાં બનાવશે લીડ ફ્રેમ
માઇક્રોનેક્સ સ્ટાર્ટઅપ દ્વારા ₹૮૦ કરોડના રોકાણ સાથે ૨૫૦ લોકોને અપાશે સીધી રોજગારી : ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬’ માં કેઈન્સ સેમિકોન સાથે કરાયા MoU

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રૂ. ૧.૪ લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્ર મજબૂત બની રહ્યું છે, ત્યારે હવે રાજ્યના યુવાનો માટે પણ આ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખુલ્યા છે. ૧૮ વર્ષની ઉંમરે મોટાભાગના યુવાનો ડિજિટલ અને AI ક્ષેત્રે કાર્યરત હોય છે, ત્યારે અમદાવાદના યુવાન રેહાન મન્સુરીએ ‘પ્રિસિઝન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ’ ક્ષેત્રે પોતાની અલગ કેડી કંડારીને ‘માઇક્રોનેક્સ’ (Micronex) સ્ટાર્ટઅપ સાથે પ્રવેશ કર્યો છે. આ સ્ટાર્ટઅપ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં સેમિકન્ડક્ટર ચિપ નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ એવી લીડ ફ્રેમ્સનું ઉત્પાદન કરશે.
નવી દિલ્હી ખાતે સપ્ટેમ્બર ૧૭થી ૧૯ દરમિયાન યોજાયેલા ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬’ કાર્યક્રમ દરમિયાન માઇક્રોનેક્સ અને કેઈન્સ સેમિકોન વચ્ચે વ્યવસાયિક ભાગીદારી માટે MoU કરવામાં આવ્યા છે, જેના દ્વારા સેમિકન્ડક્ટર કંપનીઓને લીડ ફ્રેમ સપ્લાય કરવાની તક પ્રાપ્ત થઈ છે. આ સિવાય ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
₹૮૦ કરોડનું રોકાણ અને ૨૫૦ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી:
પ્રથમ તબક્કામાં ₹૮૦ કરોડના રોકાણ સાથે સાણંદ ખાતે ફેક્ટરીના બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મે ૨૦૨૭ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાં પ્રથમ તબક્કે વાર્ષિક ૫૦ કરોડ લીડ ફ્રેમ યુનિટનું ઉત્પાદન કરાશે અને ૨૫૦ જેટલા યુવાનોને સીધી રોજગારીની તક મળશે. આ સ્ટાર્ટઅપ પ્રારંભિક તબક્કે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ત્યારબાદ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તથા ટેલિકોમ ક્ષેત્ર સુધી વિસ્તાર કરશે.
શું હોય છે લીડ ફ્રેમ?
લીડ ફ્રેમ એ એક ખૂબ જ પાતળી ધાતુની ફ્રેમ છે, જે સેમિકન્ડક્ટર ચિપને મજબૂત સપોર્ટ પૂરો પાડે છે. ચિપમાં રહેલા વાળથી પણ પાતળા સોના અને તાંબાના તાર આ ફ્રેમના લીડ્સ સાથે જોડાય છે, જેના પછી જ તેને સર્કિટ બોર્ડ પર કનેક્ટ કરી શકાય છે. માઇક્રોનેક્સ દ્વારા ૦.૧ થી ૦.૨૫ mm ની જાડાઈ ધરાવતી કૉપર એલોયની લીડ ફ્રેમ બનાવવામાં આવશે, જે ગરમી બહાર કાઢવામાં, ઉત્પાદન સમયે ચિપની સુરક્ષામાં અને ડિઝાઇન ફ્લેક્સિબિલિટીમાં ઉપયોગી નીવડે છે.
સ્થાનિક સ્તરે સપ્લાય થતાં આયાત પરની નિર્ભરતા ઘટશે:
પ્લાસ્ટિક વેસ્ટ રિસાઇક્લિંગના કૌટુંબિક બિઝનેસ બેકગ્રાઉન્ડ ધરાવતા રેહાન મન્સુરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટું રોકાણ થઈ રહ્યું છે. આ ક્ષેત્રની સપ્લાય ચેઈનમાં લીડ ફ્રેમનો ગેપ હોવાનું ધ્યાન પર આવતાં તેમણે સાણંદમાં સેમિકન્ડક્ટર કંપનીઓની નજીક રહીને લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એન્જિનિયરિંગ સહયોગ ઝડપથી પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય ગુણવત્તા મુજબનો માલ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થવાથી કંપનીઓની આયાત પરની નિર્ભરતા ઘટશે અને ઇમ્પોર્ટમાં થતો સમય પણ બચશે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને કૌશલ્ય વિકાસ:
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા ૧૨ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી ૬ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં કાર્યરત છે. રાજ્યમાં કૌશલ્ય વિકાસ માટે PDEU ખાતે માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર, GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ, ધોલેરા ITI ખાતે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ IIT ગાંધીનગરમાં 'સમર્થ' કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
