<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

લેન્ડ ગ્રેબિંગની ખોટી અરજી કર્યાનો આક્ષેપ: ગારદાના યુવકે અંકલેશ્વરના શખ્શ સામે ગુનો નોંધવાની કરી માંગ

ગારદા ગામની વડીલોપાર્જિત જમીન અંગે ખોટા દસ્તાવેજો બનાવી કાનૂની ગૂંચમાં ફસાવવાનો આક્ષેપ, પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ:ગારદા ગામના ખેડૂતની જમીન પર ખોટો દાવો કરી રકમ કઢાવવાનો પ્રયાસ: જય વિજયકુમાર શાહ સામે અરજી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામના એક યુવકે અંકલેશ્વરના રહેવાસી સામે ખોટા દસ્તાવેજો તૈયાર કરી લેન્ડ ગ્રેબિંગની અરજી કરીને કાનૂની ગૂંચમાં ફસાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે ડેડિયાપાડા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત અરજી આપી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા અરજી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
  ફરિયાદી સંદિપકુમાર મનહર વસાવા (રહે. ટેકરા ફળિયું, ગારદા, તા. ડેડિયાપાડા, જી. નર્મદા)ના જણાવ્યા મુજબ, ગારદા ખાતે આવેલ ખાતા નં. ૧૫૭ના સર્વે નં. ૨૩, ૫૭ અને ૬૦ની જમીન તેમની વડીલોપાર્જિત અને સંયુક્ત માલિકીની છે. તેમના જણાવ્યા અનુસાર આ જમીન પર ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિનો હક્ક કે માલિકી રહી નથી તેમજ જમીનનું વેચાણ કે ગીરો પણ કરવામાં આવ્યું નથી.
ફરિયાદ મુજબ, અંકલેશ્વરના સરદાર પાર્ક-૨, સરદાર પાર્ક ચોકડી, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર ખાતે રહેતા જય વિજયકુમાર શાહે ફરિયાદી તથા તેમના પરિવાર સાથે કોઈ ઓળખાણ ન હોવા છતાં આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન પર ગેરકાયદેસર કબજો હોવાનું દર્શાવી જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦' હેઠળ લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરી હતી.
ફરિયાદીનો આક્ષેપ છે કે આ અરજીમાં મનઘડત હકીકતો રજૂ કરી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને અને તેમના પરિવારને માનસિક, સામાજિક તથા કાનૂની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ડેડિયાપાડા પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ-૨૪૮ હેઠળ લેખિત અરજી આપી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ખોટા દસ્તાવેજોના આધારે નિર્દોષ લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી જરૂરી છે.
ફરિયાદી સંદિપકુમાર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે લેખિત અરજી આપ્યા છતાં સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને ન્યાયની માંગણી કરી છે તેમજ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી વહેલી તકે નિષ્પક્ષ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
હાલ આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાક્રમની હકીકત સ્પષ્ટ થશે.

(10:28 PM IST)