તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
અમદાવાદ - વડોદરામાં અનેક સ્થળોએ પ્રીમિયમ પેકેજ સાથેના ગરબા
હવે ગરબામાં પણ લકઝરીનો ઠાઠ માણો : વેલેટ પાર્કિંગ, બટલર, ફૂટ મસાજ,પ્રાઇવેટ ડાઇનિંગ સુધી,૧.૨૧ લાખ સુધીના પ્રીમિયમ પેકેજઃ પેકેજમાં ઘરેથી પિક-અપ અને ડ્રોપ, પર્સનલ સિકયોરિટી અને ગુડી બેગ જેવી સુવિધાઓ

અમદાવાદ તા.૭: અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૃ થઈ ગઈ છે અને ગરબાના તાલે ઝૂમવા માટે લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે ગરબાની મજા માત્ર ગ્રાઉન્ડ પરના સંગીત, રંગબેરંગી પોશાક અને રાસ-ગરબા પૂરતી સીમિત નથી રહી. પરંપરાગત ગરબાને હવે લકઝરી ટચ મળ્યો છે. ભીડભાડવાળા ગ્રાઉન્ડ, પાર્કિગની માથાકૂટ, લાંબી લાઈનો અને મનગમતી જગ્યા શોધવાની દોડથી દૂર રહેવા માટે આયોજકો પ્રીમિયમ પેકેજ લઈને આવ્યા છે, જેમાં વેલેટ પાર્કિગ, વીઆઈપી બેઠક, બટલર સેવા, વ્યકિતગત ફોટોગ્રાફર અને ફૂટ મસાજ જેવી સુવિધાઓ પણ સામેલ છે. આ લકઝરી ગરબા અનુભવ માટે એક રાતના ૧૪,૦૦૦ રૃપિયાથી લઈને વીઆઈપી ટેબલ માટે ૧.૨૧ લાખ રૃપિયા સુધી ચૂકવવા પડશે.
વડોદરાના અનેક મોટા ગરબા આયોજકોએ એવા લોકો માટે પ્રીમિયમ પેકેજ રજૂ કર્યા છે, જેઓ પરંપરાગત ગરબાનો આનંદ તો માણવા માગે છે, પરંતુ તહેવાર દરમિયાન થતી ભીડ અને દોડધામથી દૂર રહેવા ઇચ્છે છે. પેકેજ પ્રમાણે મહેમાનોને સ્પેશિયલ એન્ટ્રી, રિઝર્વ્ડ પાર્કિગ, ભોજન, વીઆઈપી બેઠક અને આરતીમાં પ્રવેશ જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા ખાતે પ્રીમિયમ પેકેજની કિમત સામાન્ય દિવસોમાં પ્રતિ રાત્રિ આશરે ૧૦,૬૨૦ રૃપિયા છે, જ્યારે વીકએન્ડ અને આઠમની રાત્રે તેની કિમત ૧૪,૭૫૦ રૃપિયા છે. આ પેકેજમાં પ્લેયર પાસ, આરતીમાં પ્રવેશ, વીઆઈપી બેઠક, સ્પેશિયલ એન્ટ્રી, રિઝર્વ્ડ પાર્કિગ, ફૂડ વાઉચર્સ અને ગેસ્ટ રિલેશનશિપ એકિઝકયુટિવની સુવિધા સામેલ છે.
આયોજકોનું કહેવું છે કે ખાસ કરીને વડોદરાની બહારથી આવતા લોકોમાં આ પેકેજને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોયલ ગાયકવાડ પરિવારના ટ્રસ્ટ દ્વારા આયોજિત એલવીપી હેરિટેજ ગરબાની સલાહકાર સમિતિના સભ્ય પ્રાચી શાહે કહ્યું કે બહારથી આવતા લોકો માટે આ પ્રીમિયમ પેકેજ ઉપયોગી છે, કારણ કે તેઓ સ્થળની વ્યવસ્થાથી પરિચિત ન હોય. ઘણા લોકો માત્ર એક-બે દિવસ માટે પરંપરાગત ગરબાનો અનુભવ લેવા આવે છે. મોટા મ્યુઝિક કાર્યક્રમોમાં આપવામાં આવતા પ્રીમિયમ અનુભવ જેવું જ આ છે.
બે રાત માટે ગરબાનું આયોજન કરનાર કંકુ પગલાના પ્રીમિયમ પેકેજમાં વેલેટ પાર્કિગ, ઝડપી પ્રવેશ અને ખાસ ડિઝાઇન કરવામાં આવેલા ફોટો સ્પોટ્સનો સમાવેશ થાય છે. ૧૦ લોકો સુધીના વીઆઈપી ટેબલની કિમત ૧.૨૧ લાખ રૃપિયા છે. તેમાં પ્લેયર પાસ ઉપરાંત બટલર સેવા, સમર્પિત ફોટોગ્રાફર અને ભોજનની સુવિધા આપવામાં આવે છે.
કંકુ પગલાના આયોજકોમાંના એક નીતિન નાણાવટીએ કહે છે કે ગુજરાતની બહારથી આવતા લોકો અને એનઆરઆઈમાં આ સેવાઓ ખાસ લોકપ્રિય છે. ખેલૈયાઓ અને દર્શકો કોઈ દોડધામ વિના ગરબાનો આનંદ માણવા માગે છે અને અમે તેમને એ જ અનુભવ આપી રહ્યા છીએ. સિટીગાઇડ જુઓ
વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ (VVN)એ પણ અલગ-અલગ કોમ્બો પેકેજ રજૂ કર્યા છે. તેના ૨૫,૦૦૦ રૃપિયાનાપેકેજમાં એલિટ ટાવરમાં બેઠક, ભોજન, વીઆઈપી પાર્કિગ અને ચાર યુનિસેકસ પાસ સામેલ છે. કોર્પોરેટ પેકેજમાં ૧૫ પ્લેયર પાસ, ઓડિયન્સ પાસ અને બે વીઆઈપી પાર્કિગ સ્લોટ આપવામાં આવે છે.
VVNના પ્રવકતાએ કહ્યું કે અમે તમામ પ્લેયર્સને ફૂડ એરિયામાં સીધો પ્રવેશ અને ખાસ સુવિધાઓ પણ આપીએ છીએ. અમદાવાદમાં લકઝરી ગરબાનું ચલણ પણ હવે વધુ આગળ વધી રહ્યું છે. અહીં એક ગરબા કાર્યક્રમમાં એક વ્યકિત માટે એકસકલુઝિવ ગેઝેબો પેકેજની કિમત ૨૭,૫૦૦ રૃપિયા સુધી પહોંચી છે.
અતિ લકઝુરિયસ ગરબા અનુભવ તરીકે રજૂ કરવામાં આવેલા સફેદ પરિદેમાં રેગ્યુલર પાસની કિમત પ્રતિ વ્યકિત ૧૫,૦૦૦ રૃપિયા છે. જ્યારે ૧૦ લોકો માટેના ટોપ-એન્ડ ૨.૭૫ લાખ રૃપિયાના ગેઝેબો પેકેજ પ્રમાણે પ્રતિ વ્યકિત ૨૭,૫૦૦ રૃપિયા ચૂકવવા પડે છે. આ ગેઝેબો પેકેજમાં ઘરેથી પિક-અપ અને ડ્રોપ, પર્સનલ સિકયોરિટી, કોફી સાથે પ્રાઇવેટ ડાઇનિગ, ગેઝેબોની અંદર ફૂટ મસાજ અને ગુડી બેગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમ ઓલ-વ્હાઇટ લકઝરી થીમ પર આધારિત છે. જોકે અમદાવાદમાં તેનું સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આયોજકો તરફથી ફલાવર-શાવર સ્વાગત, પ્રીમિયમ ડેકોર, ફોટો અને સેલ્ફી ઝોન તથા વિશાળ ગરબા વિસ્તાર જેવી સુવિધાઓની ખાતરી આપવામાં આવી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
