તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગરબા ગ્રાઉન્ડ્સ પર ગુપ્ત નજરઃ જાસૂસી કેસોમાં ૪૦% નો ઉછાળોઃ NRI કપલ્સ ટોપ લિસ્ટમાં
અમદાવાદ શહેરમાં કાર્યરત લગભગ ૮૦ જેટલા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સ માટે નવરાત્રિ સૌથી વધુ કમાણીની પીક સીઝન સાબિત થઈ

અમદાવાદ તા.૨૦: નવરાત્રિ દરમિયાન યુવાનો નવ દિવસ સુધી મન મૂકીને ગરબે રમ્યા હતા. આ દરમિયાન જાસૂસીના કેસમાં ૪૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. જેમાં જીવનસાથીઓ, હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ સગાઈ થઈ ચૂકેલા યુગલો પણ ડિટેક્ટિવ્સના રડારમાં હતા. નવરાત્રિમાં ખેલૈયાઓ વિવિધ ફાર્મ, પાર્ટી પ્લોટમાં ગરબે ઝૂમી રહ્યા હતા ત્યારે પ્રાઇવેટ ડિટેક્ટિવ્સ ખેલૈયાઓનો પીછો કરવામાં, ફોટોગ્રાફસ ક્લિક કરવામાં અને સંબંધોમાં ખળભળાટ મચાવી શકે તેવા પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત હતા. સૂત્રો મુજબ શહેરમાં કાર્યરત લગભગ ૮૦ જેટલા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સ માટે નવરાત્રિ સૌથી વધુ કમાણીની પીક સીઝન સાબિત થઈ હતી. આ વર્ષે ખાસ કરીને ગરબા રમવા માટે અમદાવાદ આવેલા ૩૫ થી ૪૦ વર્ષની વયના NRI પાર્ટનર્સ તેમના ક્લાયન્ટ્સના લિસ્ટમાં મોખરે રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન તેમના સર્વેલન્સ કેસોમાં ૪૦ ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે તેમને NRI પતિ-પત્ની સંબંધિત લગભગ છ કેસ મળ્યા હતા, અને દાવો કર્યો કે આ તમામ કેસોમાં તેઓ અન્ય વ્યક્તિ સાથે સમય વિતાવતા હોવાના પુરાવા મળ્યા હતા.
હોસ્ટેલ અને પેઇંગ ગેસ્ટમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ડિટેક્ટિવ્સની નજર હેઠળ હતા. માતા-પિતા અને વાલીઓએ એ ચકાસવા માટે જાસૂસો રોક્યા હતા કે તેમના સંતાનો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય કોઈ સાથે સમય તો નથી વિતાવી રહ્યા ને? તપાસકર્તાઓએ જણાવ્યું કે તેઓએ પુરાવા એકત્ર કરી પરિવારોને મોકલી આપ્યા હતા.
સગાઈ થઈ ચૂકેલા યુગલો પણ આમાંથી બાકાત નહોતા. સુખી-સંપન્ન પરિવારોએ તેમના ભાવિ જમાઈ કે પુત્રવધૂ પર નજર રાખવા માટે એજન્સીઓ હાયર કરી હતી.અમે લગભગ ૧૦ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સને તહેનાત કરીએ છીએ અને દર બે કલાકે તેમને બદલીએ છીએ જેથી ટાર્ગેટ વ્યક્તિને શંકા ન જાય કે તેમનો પીછો થઈ રહ્યો છે. અમે એવા બે ફિયાન્સે વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે, જેઓ સગાઈ થઈ હોવા છતાં કથિત રીતે અન્ય પાર્ટનર સાથે ફરી રહ્યા હતા. આ ઉપરાંત, છૂટાછેડાના કેસ લડી રહેલા દંપતીઓએ પણ કોર્ટમાં બેવફાઈ સાબિત કરવા માટે પુરાવા એકઠા કરવા તપાસકર્તાઓની મદદ લીધી હતી.
નવરાત્રિની તમામ નવ રાતો દરમિયાન જીવનસાથી પર વોચ રાખવી સસ્તી નથી. ઇન્વેસ્ટિગેટર્સે જણાવ્યું કે, નવરાત્રિના આખા સર્વેલન્સ પેકેજનો ખર્ચ આશરે રૂ૧.૫ લાખ જેટલો થાય છે, જેમાં મોટાભાગના ગ્રાહકો ઉચ્ચ મધ્યમવર્ગ કે સંપન્ન પરિવારોમાંથી આવે છે. તેમણે જણાવ્યું કે તેમની પદ્ધતિઓમાં ખેલૈયાઓ સાથે ભળી જવા માટે ગરબા પાસ ખરીદવા, હાઈ-રિઝોલ્યુશન વાળા મોબાઈલ કેમેરા અને સ્પાય કેમેરાનો ઉપયોગ કરવો તેમજ પાર્ક કરેલી ગાડીઓમાંથી ફોટોગ્રાફસ પાડવાનો સમાવેશ થાય છે. કેટલાક તપાસકર્તાઓએ GPS ટ્રેકિગ ડિવાઇસ વાપરવાનો પણ દાવો કર્યો હતો.
આમ, અમદાવાદ જ્યારે ગરબાના તાલે ઝૂમી રહ્યું હતું, ત્યારે કેટલાક ખેલૈયાઓ પર એવી નજર મંડાયેલી હતી જેમને તેમના ડાન્સ સ્ટેપ્સ કરતાં તેઓ કોની સાથે છે તેમાં વધુ રસ હતો.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
