<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ચૈતર વસાવાના ગઢમાં ગાબડું: ડેડીયાપાડા AAP પ્રમુખે પક્ષને ‘રામ-રામ’ કર્યા, ચૂંટણી ટાણે જ વસાવા સામે બગાવતનો સૂર!

વર્ષોની વફાદારી સામે અવગણનાનો આરોપ: રાજેન્દ્ર વસાવાના રાજીનામાથી નર્મદાના રાજકારણમાં ગરમાવો, ‘આપ’ના સંગઠનમાં ભડકો

નર્મદા: ડેડીયાપાડાના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને સ્થાનિક સ્તરની રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાના અત્યંત નજીકના ગણાતા અને તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય આલમમાં સોંપો પડી ગયો છે.
અવગણના અને અન્યાયના ગંભીર આક્ષેપો
રાજેન્દ્ર વસાવાએ માત્ર રાજીનામું જ નથી આપ્યું, પરંતુ પક્ષના કાર્યશૈલી સામે સવાલોના તીર પણ છોડ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ ૨૦૧૨થી પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા લોહી-પાણી એક કર્યા છે. તેમ છતાં, છેલ્લા કેટલાક સમયથી તેમને મહત્વના નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવતા હતા. તાલુકા પ્રમુખ હોવા છતાં તેમની સંમતિ વિના નિર્ણયો લેવાતા હોવાથી તેઓ ભારે નારાજ હતા.
ચૈતર વસાવા માટે ચિંતાનો વિષય
ડેડીયાપાડા એ ચૈતર વસાવાનો મજબૂત ગઢ ગણાય છે. પરંતુ ચૂંટણીના આ ટાણે જ પક્ષના વફાદાર નેતાનું છૂટા પડવું એ ચૈતર વસાવા માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. રાજેન્દ્ર વસાવાએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, "ચૂંટણી સંબંધિત કોઈ પણ કમિટીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી અને તેમના મંતવ્યોની સતત બાદબાકી કરવામાં આવી છે."
શું બદલાશે રાજકીય સમીકરણો?
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદનો સામનો કરી રહ્યું છે. અગાઉ પણ કેટલાક નાના-મોટા હોદ્દેદારોએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો, પરંતુ તાલુકા પ્રમુખ કક્ષાના નેતાનું રાજીનામું આગામી ચૂંટણીમાં મતોનું સમીકરણ બગાડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજેન્દ્ર વસાવા આગામી સમયમાં કયા પક્ષનો હાથ પકડે છે કે પછી અપક્ષ તરીકે પોતાની શક્તિ બતાવે છે.
હાલ તો આ રાજીનામાએ ડેડીયાપાડાની ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે અને વિરોધ પક્ષો આ તકનો લાભ લેવા સક્રિય બન્યા છે.

(6:10 PM IST)