<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઇ :પોલીસે ત્રણ આરોપીઓ ઝડપ્યા

પોલીસે 3 આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી રીક્ષા સહિત કુલ રૂ. 1,25,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં સતત વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરમાં રીક્ષામાં પેસેન્જર તરીકે મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કરતી એક સક્રિય ગેંગને ખોખરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડી છે. પોલીસે 3 આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી રીક્ષા સહિત કુલ રૂ. 1,25,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

1 મે 2026 ના રોજ ખોખરા પોલીસની સર્વેલન્સ સ્કોડ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારના ધબકાર હોસ્પિટલ પાસેથી કેટલાક શખ્સોએ રીક્ષામાં પેસેન્જરને બેસાડ્યા હતા. ત્યારબાદ રીક્ષા ચાલક અને તેમાં સવાર અન્ય ઇસમોએ મળીને પેસેન્જરની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રૂ. 25,000 ની ચોરી કરી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી રોકડ રકમ રૂ. 25,000 અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રીક્ષા (GJ 27 TB 6272) જેની કિંમત રૂ.1,00,000 છે, તે મળી કુલ રૂ. 1,25,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 303 (2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં હારૂન ઉર્ફે રાજા દિવાન, ઈમરાન ઉર્ફે બાબા સૈયદ અને અયાન શેખનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને આરોપી ઈમરાન અને હારૂન સામે શહેરકોટડા, અમરાઈવાડી, નારોલ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની આ સફળ કામગીરીથી રીક્ષામાં મુસાફરી કરતા નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

(7:02 PM IST)