<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

આલીપોર હાઈવે પર ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈઃ ૮૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

કિંમતી ડામર માત્ર ૬૦ રૂપિયા પ્રતિ લીટર અને ક્રૂડ ઓઈલ માત્ર ૩૦ રૂપિયા પ્રતિ લીટરના નજીવા ભાવે ડ્રાઈવરો પાસેથી ખરીદી લેવામાં આવતું હતું

નવસારી,તા.૩૧:દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે ૪૮ પરથી કિંમતી પ્રવાહી અને ઓઈલની ચોરી કરતી એક અત્યંત સક્રિય ગેંગને પકડી પાડવામાં નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ  અને ચીખલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક ગુપ્ત બાતમીના આધારે આલીપોર ગામની સીમમાં હાઈવે પર વોચ ગોઠવીને રેડ પાડી હતી.

આ રેડ દરમિયાન મુંબઈની પ્રતિષ્ઠિત 'હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન કંપની'માંથી ક્રૂડ ઓઈલ ભરીને ભાવનગર જઈ રહેલા ટેક્નરોમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરવાનું આખું કૌભાંડ રંગેહાથ પકડાઈ ગયું હતું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઓઈલ માફિયાઓ ટેક્નરના ડ્રાઈવરો સાથે પહેલેથી જ ગોઠવણ કરી રાખતા હતા.

લાંબી મુસાફરી દરમિયાન હાઈવે પર નક્કી કરેલા પોઈન્ટ પર ટેક્નર ઊભું રાખવામાં આવતું અને તેમાંથી સીલ તોડ્યા વિના ખાસ ટેકનિકથી ક્રૂડ ઓઈલ અને ડામર કાઢી લેવાતો હતો.

રેડ દરમિયાન પોલીસે બે ટેક્નરોમાંથી અંદાજે ૨૦૦ લીટર જેટલો ચોરીનો જથ્થો કાઢતા જ ગેંગને દબોચી લીધી હતી. કિંમતી ડામર માત્ર ૬૦ રૂપિયા પ્રતિ લીટર અને ક્રૂડ ઓઈલ માત્ર ૩૦ રૂપિયા પ્રતિ લીટરના નજીવા ભાવે ડ્રાઈવરો પાસેથી ખરીદી લેવામાં આવતું હતું.પોલીસે આ હાઈવે ઓપરેશનમાં ઓઈલ ચોરીના મુખ્ય માસ્ટરમાઈન્ડ પ્રકાશ ખટીક અને જસવીર ભવરીયાની ધરપકડ કરી લીધી છે, તેની સાથે ચોરીમાં સાથ આપનારા ૩ ટેક્નર ચાલકોને પણ લોકઅપ ભેગા કરી દેવાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી ટેક્નરો અને ઓઈલના જથ્થા સહિત કુલ રૂ. ૮૬.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ ચોરીનો માલ સુરતના અંકિત પટેલ અને વાંસદાના વિનોદ ડાગલિયા નામના વેપારીઓ ખરીદતા હતા, જેમને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ આદરી છે.

(11:39 AM IST)