<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ગાંધીનગર :પોલીસ જેવી દેખાતી ગાડીમાં જ આવ્યા તસ્કરો : કુડાસણની ગુડા આવાસ યોજનાના બેઝમેન્ટમાં ચોરી કરી

પોલીસ જેવી કારમાં આવેલા શખ્સોએ પાર્ક કરેલી ગાડીઓને નિશાન બનાવી:બેથી ત્રણ કારની મોંઘી વ્હીલ પ્લેટ ચોરી તસ્કરો ફરાર: સીસીટીવીમાં ચોરોની અજીબોગરીબ મોડસ ઓપરેન્ડી કેદ

ગાંધીનગરમાં તસ્કરો પોલીસથી ડરવાને બદલે પોલીસ જેવો વેશ ધારણ કરીને ચોરી કરતા હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણમાં તસ્કરોએ પોલીસ જેવી દેખાતી ગાડીનો ઉપયોગ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ઘટનાની વિગત મુજબ કુડાસણ સ્થિત ગુડા આવાસ યોજનાના બેઝમેન્ટ પાર્કિંગમાં આ બનાવ બન્યો હતો. મોડી રાત્રે તસ્કરો એક એવી કાર લઈને આવ્યા હતા જે જોવામાં આબેહૂબ પોલીસ વાહન જેવી લાગતી હતી. આ ગાડીમાં આવેલા શખ્સોએ બેઝમેન્ટમાં પાર્ક કરેલી બે થી ત્રણ લક્ઝરી અને મોંઘી કારની વ્હીલ પ્લેટ ની ચોરી કરી હતી. તસ્કરોએ અત્યંત સાવધાનીપૂર્વક ગાડીઓના ટાયર પરની પ્લેટ ઉઠાવી લીધી અને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા
   સવારે જ્યારે કાર માલિકો બેઝમેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને આ ચોરી વિશે જાણ થઈ હતી. આવાસના સીસીટીવી તપાસતા ચોરોની અજીબ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. પોલીસ જેવી દેખાતી ગાડી હોવાથી રાત્રે વોચમેન કે અન્ય કોઈને શંકા ગઈ ન હતી. હાલમાં સ્થાનિક પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. રહેણાંક સોસાયટીઓમાં પોલીસ જેવી ગાડીનો ઉપયોગ કરીને થયેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે આસપાસના રસ્તાઓના કેમેરા પણ તપાસવાનું શરૂ કર્યું છે જેથી તે નકલી પોલીસ કાર કઈ તરફ ગઈ તેની કડી મળી શકે. .

(12:30 AM IST)