તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ગાંધીનગર: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય અટવાઈ, બેંક ખાતા ખોલવા મામલે બેંકોના અસહકાર સામે શિક્ષક સંઘ લાલઘૂમ
રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ મંત્રી સમક્ષ કરાઈ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ; બેંકના ‘ઝીરો બેલેન્સ’ ખાતા ખોલવાના નિયમોના અમલીકરણમાં અવરોધ ઊભો થતા શિક્ષકો મૂંઝવણમાં

ગાંધીનગર: ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ હાલમાં ગંભીર આર્થિક અવરોધનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીઓના ગણવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા (DBT) કરવાની પ્રક્રિયામાં બેંક ખાતાનો અભાવ સૌથી મોટો વિલંબનો મુદ્દો બનીને સામે આવ્યો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને રૂબરૂ મળીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
બેંક ખાતા ન હોવાથી સહાયની રકમથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ
સરકારની નીતિ મુજબ વિદ્યાર્થીઓને મળવાપાત્ર આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જ જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી પોતાના નામના બેંક ખાતા ઉપલબ્ધ નથી. જ્યારે શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવા માટે નજીકની બેંક શાખાઓમાં સંપર્ક કરે છે, ત્યારે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
બેંકો દ્વારા અસહકાર અને શરતોનો સામનો
શિક્ષક સંઘના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણી બેંક શાખાઓ દ્વારા વિદ્યાર્થીઓના 'ઝીરો બેલેન્સ' ખાતા ખોલવા માટે ભારે આનાકાની કરવામાં આવે છે. કેટલીક બેંકો દ્વારા ખાતું ખોલાવવા માટે જટિલ શરતો લાદવામાં આવે છે, તો કેટલીક જગ્યાએ ખાતા ખોલવાની સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવે છે. આ પ્રકારના વલણને કારણે સરકારી સહાયની રકમ જે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થવી જોઈએ, તે સમયસર પહોંચી શકતી નથી. પરિણામે, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આર્થિક લાભથી વંચિત રહી જાય છે અને શિક્ષકોની મહેનત પણ નિષ્ફળ જઈ રહી છે.
શિક્ષણ મંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ
પ્રાથમિક શિક્ષક સંઘે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને તેમના માટેની સરકારી યોજનાઓનો લાભ સમયસર પહોંચે તે સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે શિક્ષણ વિભાગે રાજ્યસ્તરે બેંક અધિકારીઓ સાથે સંકલન સાધવું અનિવાર્ય છે. સંઘે માંગ કરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા તમામ બેંકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ ખાતા કોઈપણ પ્રકારની અડચણ વગર ઝડપથી ખોલવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના હિતમાં કોઈ બાંધછોડ ન થાય.
શિક્ષણ મંત્રી સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆત બાદ હવે શિક્ષણ વિભાગ આ દિશામાં શું પગલાં લે છે તે જોવું રહ્યું.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
