તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ગાંધીનગર મનપા ચૂંટણી : વોર્ડ નંબર-11ના ભાજપના ઉમેદવાર જશવંત પટેલ સૌથી ધનિક :એફિડેવિટમાં 244 કરોડની સંપત્તિ
ભાજપ ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પટેલે ચૂંટણી એફિડેવિટમાં ₹244 કરોડની માતબર સંપત્તિ જાહેર કરી:તેઓ મનપા ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર બન્યા:તેમની સામે એક પણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી.

ગાંધીનગર :ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો દ્વારા વોર્ડવાર જોરશોરથી જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામાની વિગતો સામે આવતાં જ વોર્ડ નંબર 11 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંત પટેલ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી એફિડેવિટ અનુસાર તેઓ ગાંધીનગર મનપા ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા છે.
ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સત્તાવાર સોગંદનામા મુજબ જશવંત પટેલ અને તેમના પરિવારે કુલ ₹244 કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકતો જાહેર કરી છે. તેમની સંપત્તિની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
ખેતીની જમીન: અંદાજે ₹53 કરોડનું મૂલ્ય ધરાવતી ખેતીલાયક જમીનો.
બિનખેતી જમીન: ગાંધીનગર અને આસપાસના મોકાના વિસ્તારોમાં ₹170 કરોડથી વધુ કિંમત ધરાવતી કમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ બિનખેતી પ્લોટ અને જમીનો.
સોના-ચાંદીના દાગીના: 75 તોલા સોનું અને 7 કિલો ચાંદી સહિત આશરે ₹1.285 કરોડના કિંમતી ઝવેરાત.
વાહનોનો કાફલો: વોલ્વો (Volvo) સહિતની પ્રીમિયમ લક્ઝરી કાર્સ અને વાહનો.
જશવંત પટેલ ગાંધીનગર શહેર ભાજપના વર્તમાન મહામંત્રી તરીકે સંગઠનમાં સક્રિય જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ યશસ્વી કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા છે. શહેરના વિકાસ કાર્યો અને વહીવટી અનુભવને કારણે ભાજપે તેમને વોર્ડ નંબર 11 માંથી પુનઃ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ₹244 કરોડની જંગી સંપત્તિ હોવા છતાં તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની સામે કોઈ પણ પ્રકારનો ફોજદારી કે ગુનાહિત કેસ નોંધાયેલો નથી.
પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ અંગે પ્રતિક્રિયા આપતાં જશવંત પટેલે જણાવ્યું હતું કે, તેમણે વર્ષોની અથાક મહેનત, પ્રામાણિકતા અને વ્યવસાયિક સૂઝબૂઝ થકી આ મુકામ હાંસલ કર્યો છે. તેમણે શૂન્યમાંથી શરૂઆત કરીને આર્થિક પ્રગતિ કરી છે અને કાયદાના દાયરામાં રહીને ટેક્સ ચૂકવી સમગ્ર મિલકતો વસાવી છે. હાલમાં તેઓ વોર્ડ-11 ના મતદારો વચ્ચે પહોંચીને ભાજપની વિકાસ નીતિ અને મનપાના વિવિધ પ્રોજેક્ટ્સને આધારે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
