<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગાંધીનગર: ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: 500 નવી ભરતીને લીલી ઝંડી, હવે પેટ્રોલીંગ બનશે વધુ સુપરફાસ્ટ!

ગૃહ વિભાગે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે 31.16 કરોડના ખર્ચે ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3 ની નવી જગ્યાઓ મંજૂર કરી; ખાતાકીય ગતિશીલતાને મળશે બુસ્ટર ડોઝ

ગાંધીનગર, તા.03: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત અને વાહન વ્યવહારને સુપરફાસ્ટ બનાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ (MT) પ્રભાગ માટે 'ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3' ની કુલ 500 નવી જગ્યાઓને સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી ખાતાની કાર્યક્ષમતા વધશે અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે.

 

રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાહનચાલકોની અછત દૂર કરવા માટે ગૃહ વિભાગ સમક્ષ એક ખાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને આખરે વહીવટી બહાલી મળતા, સરકાર દ્વારા રૂ. 31.16 કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ 500 જગ્યાઓ નિયમિત પગાર ધોરણ ધરાવતી હોવાથી ઉમેદવારોને સ્થાયી અને ગુણવત્તાસભર રોજગારીનો લાભ મળશે.

 

અત્યાર સુધી પોલીસ વિભાગમાં નિષ્ણાત ડ્રાઈવરોની ખેંચને કારણે ઈમરજન્સી કેસ, સમયસર પેટ્રોલીંગ અને વાહન વ્યવહારમાં જે પડકારોનો સામનો કરવો પડતો હતો, તે હવે ભૂતકાળ બની જશે. આર્મ્ડ કોન્સ્ટેબલરી કેડરમાં 500 કાબેલ ડ્રાઈવરો ઉમેરાતા પોલીસ દળની 'મોબિલિટી' એટલે કે ગતિશીલતામાં બુસ્ટર ડોઝ મળશે. જેનાથી ગુનાખોરી પર લગામ કસવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં ક્ષણવારમાં પહોંચી વળવા માટે પોલીસ તંત્ર વધુ સજ્જ બનશે.

 

(5:43 PM IST)