<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ગાંધીનગરમાં વિદેશ જવાના સપના જોતા યુવાનો સાથે 'કરોડોનો ખેલ': ૩૩ લોકોને યુકેની વર્ક પરમિટની લાલચ આપી ૩ કરોડ ખંખેર્યા, કબૂતરબાજ એજન્ટ ઝડપાયો

બોગસ COS લેટર અને નકલી વિઝા કોપી બતાવી આચર્યું મસમોટું કૌભાંડ; ઇન્ફોસિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી, બીજો હજુ ફરાર – વિદેશ જવા ઈચ્છુકો માટે લાલબત્તી સમાન કિસ્સો

ગાંધીનગર: ગુજરાતના યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ હંમેશા રહ્યો છે, પરંતુ આ સપનાનો ફાયદો ઉઠાવતા 'કબૂતરબાજ' એજન્ટો પણ સક્રિય છે. ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવી જ એક હચમચાવી દેતી છેતરપિંડીની ઘટના સામે આવી છે. અહીં યુકે (UK) ની વર્ક પરમિટ અપાવવાના બહાને બે એજન્ટોએ ૩૩ જેટલા નિર્દોષ યુવાનો પાસેથી અંદાજે ૩ કરોડ રૂપિયા પડાવી લીધા છે. ઇન્ફોસિટી પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધારો પૈકીના એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, ઇન્ફોસિટીમાં 'એર ઇમિગ્રેશન' નામની ઓફિસ ધરાવતા વિપુલ શ્રીમાળીનો સંપર્ક દિનેશ ધાયાભાઈ પટેલ અને દર્શક સોજિત્રા નામના બે એજન્ટોએ કર્યો હતો. આ એજન્ટોએ દાવો કર્યો હતો કે તેઓ યુકેમાં વેરહાઉસ અને હેલ્થકેર સેક્ટરમાં આકર્ષક વર્ક પરમિટ અપાવે છે. તેમના વિશ્વાસમાં આવીને વિપુલભાઈએ ૩૩ ક્લાયન્ટ્સની ફાઈલો તેમને સોંપી હતી. પ્રક્રિયાના નામે એજન્ટોએ ટુકડે-ટુકડે ૩ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હતા.

નકલી દસ્તાવેજોનો માયાજાળ:

આરોપીઓએ લોકોનો ભરોસો જીતવા માટે ડિજિટલ છેતરપિંડીનો આશરો લીધો હતો. તેમણે વોટ્સએપ ગ્રુપમાં નકલી 'કોસ લેટર' (Certificate of Sponsorship - COS) અને બોગસ ઇમેઇલ આઈડી બનાવીને નકલી વિઝા કોપીઓ મોકલી હતી. જ્યારે ૬ મહિના વીતી જવા છતાં વિઝા ન આવ્યા ત્યારે ક્લાયન્ટ્સને શંકા ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે યુકે એમ્બેસીમાં આવી કોઈ અરજી જ થઈ નહોતી અને એજન્ટો દ્વારા આપવામાં આવેલા તમામ કાગળો નકલી હતા.

પોલીસ કાર્યવાહી:

આખરે છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને ત્વરિત તપાસ હાથ ધરી દિનેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. જોકે, તેનો સાથીદાર દર્શક સોજિત્રા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય કેટલા લોકો તેનો શિકાર બન્યા છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે કે કોઈપણ એજન્ટને નાણાં આપતા પહેલા તેની વિશ્વસનીયતાની ચોક્કસ તપાસ કરવી જોઈએ.

(11:55 PM IST)