<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

નવસારીના વિજલપોરમાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું : 9 જેટલા જુગારીઓને ઝડપી લીધા : લાખોનો મુદામાલ જપ્ત

એક્શનમાં આવેલી પોલીસે શ્યામનગરમાં આવેલા મકાનની ચારેય તરફ ઘેરાબંધી કરીને ઓચિંતો છાપો માર્યો

નવસારીના  વિજલપોર વિસ્તારમાં આવેલા શ્યામનગરમાં જલાલપોર પોલીસે બાતમીના આધારે એક ઘર પર દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીને પગલે ટાઉન પ્લાનિંગ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી ટીમે રહેણાંક મકાનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ત્રાટકીને 9 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની રોકડ રકમ સહિત વાહનો અને મોબાઈલ ફોનનો મોટો જથ્થો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, નવસારીના વિજલપોરના શ્યામનગર વિસ્તારમાં નિર્મલ ઉર્ફે અબુ ટંડેલ નામના વ્યક્તિના ઘરમાં કેટલાક લોકો એકઠા થઈને મોટા પાયે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી જલાલપોર પોલીસને મળી હતી. બાતમી મળતાની સાથે જ એક્શનમાં આવેલી પોલીસે શ્યામનગરમાં આવેલા ઉક્ત મકાનની ચારેય તરફ ઘેરાબંધી કરીને ઓચિંતો છાપો માર્યો હતો. દરોડા દરમિયાન ઘરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 જુગારીયાઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ઘરધણી નિર્ભય ઉર્ફે અબુ ટંડેલ, ધીરજ દુબે, કરણ કુંભાર, અતુલ યાદવ, રાજાભૈયા ચૌધરી, શૈલેન્દ્ર સોનકર, ધીરજ સોનકર, રમીઝ પઠાણ અને રામસિંગ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. 

પોલીસે ઘટના સ્થળે વ્યાપક તપાસ હાથ ધરીને જુગારના પટમાંથી ₹45,270ની રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત, જુગારીઓ પાસેથી મળી આવેલા ₹1.36 લાખની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન અને અંદાજે ₹3.95 લાખની કિંમતની 6 મોટરસાયકલ (બાઈક) સહિત કુલ ₹5,76,270નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જલાલપોર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી તે દિશામાં આગળની તપાસ તેજ કરી છે.

(7:47 PM IST)