તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 24th May 2026
રણપ્રદેશમાં ઈંધણના દુષ્કાળથી અગરિયા પરિવારોમાં હાહાકાર: ટ્રાફિક જામ અને પંપો પર લાંબી લાઈનો છતાં માંડ ૫૦ લીટર ડીઝલ મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંપૂર્ણ ઠપ
ચોમાસાના પ્રથમ વરસાદમાં જ કરોડોનું મીઠું ધોવાઈ જવાનો મોટો ખતરો: વગદારો દ્વારા ઈંધણનું કાળાબજાર થતાં નાના નાના મીઠા ઉત્પાદકો આત્મહત્યાની કાગાર પર

ગાંધીનગર: સિરામિક, ટેક્સટાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, હોટેલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બરબાદ કર્યા બાદ હવે દેશભરમાં સર્જાયેલી ઈંધણની ગંભીર કટોકટીએ ગુજરાતના પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ મીઠા ઉદ્યોગને પણ પોતાનો શિકાર બનાવ્યો છે, જેના કારણે હજારો ગરીબ અગરિયાઓની રાત-દિવસની કાળી મજૂરી પર લૂણો લાગી ગયો છે. રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લાના વિશાળ રણપ્રદેશોમાં ચાલુ સીઝનનું લાખો ટન પકવેલું ક્વોલિટી મીઠું તૈયાર પડ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિઓ વચ્ચે સ્થાનિક સ્તરે ડીઝલની તીવ્ર અછત સર્જાતા અગરોમાંથી માત્ર ૫૦ ટકા જેટલા જ જથ્થાનું પરિવહન માંડ-માંડ થઈ રહ્યું છે. આ કાળઝાળ સ્થિતિના લીધે સમગ્ર મીઠા ઉદ્યોગને અંદાજે ₹૨૫૦ કરોડનો મોટો આર્થિક ફટકો પડવાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે રણના ધોમધખતા તાપમાં પરસેવો પાડીને મીઠું પકવતા ૫૦ હજારથી લઈને એક લાખ જેટલા અસંગઠિત શ્રમિકોની રોજીરોટી પર ઘેરા સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.
સ્થાનિક વેપાર મહામંડળના આંકડા અનુસાર, કચ્છના નાના રણ, સાંતલપુર, રાધનપુર, માળિયા, ખારાઘોડા, આડેસર, ધ્રાંગધ્રા અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં અગરિયાઓએ આઠ મહિનાની સખત મહેનત બાદ કરોડો રૂપિયાનું મીઠું તૈયાર કરીને રાખ્યું છે, પણ ઈંધણના અભાવે માર્ગો પર દોડતા હેવી ટ્રાન્સપોર્ટ ટ્રકોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. માત્ર કચ્છ જિલ્લામાં જ દર વર્ષે ૬૦ લાખ ટનથી વધુ મીઠાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થાય છે, પરંતુ જૂનો માલ રણમાંથી બહાર ન નીકળવાના કારણે અગરિયાઓ નવો જથ્થો પકવી શકતા નથી અને વેપારીઓની મૂડી અટવાઈ ગઈ છે. જો આગામી થોડા દિવસોમાં સરકારી તંત્ર દ્વારા ડીઝલનો પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે, તો જૂન મહિનામાં આવનારા ચોમાસાના પહેલા વરસાદમાં જ ઓગળીને લાખો ટન કિંમતી મીઠું રણની રેતીમાં વહી જશે, જેનાથી પ્રત્યેક અગરિયા પરિવારને પર્સનલ સ્તરે ₹૫૦ હજારથી વધુનું વ્યક્તિગત નુકસાન વેઠવું પડશે.
બીજી તરફ, મોરબીના માળિયા મિયાણા સહિતના હબ ગણાતા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે, જ્યાં ટ્રક ચાલકોએ પેટ્રોલીયમ પંપો પર આખો દિવસ લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને કલાકોની પ્રતીક્ષા બાદ માંડ ૫૦ લીટર જેટલું મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે, જે લાંબા અંતરની સફર માટે બિલકુલ અપૂરતું છે. આ કટોકટીનો ફાયદો ઉઠાવીને કેટલાક સ્થાનિક માથાભારે વગદારો અને બ્લેક માર્કેટિંગ કરનારા તત્વો ઊંચા ભાવ ચૂકવીને ડીઝલનો મોટો જથ્થો સંગ્રહ કરી રહ્યા છે, જેને કારણે નાના અને ગરીબ અગરિયાઓની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં રણ વિસ્તારમાંથી પ્રતિદિન ૭૫ હજાર ટન મીઠાનું પરિવહન દેશના ખૂણે-ખૂણે થતું હતું, જે આજે ઘટીને માંડ ૩૦ હજાર ટન થઈ ગયું છે; ઉપરાંત ટ્રાન્સપોર્ટરોએ નૂર ભાડામાં પણ ૨૦ થી ૨૫ ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેતાં કારખાના સુધી રો મટીરીયલ પહોંચાડવું હવે આર્થિક રીતે અશક્ય બની રહ્યું છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
