<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અમદાવાદમાં મિત્રતા શરમજનક બની: ૧૮ વર્ષની યુવતીને પ્રેમસંબંધ ઉજાગર કરવાની ધમકી આપી બે નરાધમોએ હોટલમાં આચર્યો સામૂહિક બળાત્કાર

પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં અપહરણ કર્યું; નિકોલની હોટલમાં બે મહિનામાં બે વાર ગેંગરેપ ગુજારતા શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ

અમદાવાદ: પૂર્વ અમદાવાદના સરસપુર વિસ્તારમાં માનવતાને શરમમાં મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર ૧૮ વર્ષની એક માસૂમ યુવતીને બ્લેકમેઈલ કરી, તેના પિતા અને ભાઈની હત્યાની ધમકી આપી બે મિત્રોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવતીને નિકોલની એક હોટલમાં લઈ જઈને વારાફરતી સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) ગુજારવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ હેવાનિયત અંગે ભોગ બનનાર યુવતીએ અંતે હિંમત ભેગી કરીને શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી ૧૮ વર્ષીય સંજના (નામ બદલેલ છે) પાંચ મહિના પહેલાં પોતાના ઘર પાસે ઉભી હતી. આ દરમિયાન તેની પડોશમાં જ રહેતો મીત મકવાણા અને તેનો મિત્ર તેજસ તેની પાસે આવ્યા હતા. આ બંને યુવકોએ સંજનાને ડરાવતા કહ્યું હતું કે, "તું એક યુવક સાથે રિલેશનશિપમાં છે અને તેની સાથે ફરે છે, તેની અમને બધી ખબર છે." આ વાત તેના માતા-પિતાને કહી દેવાની ધમકી આપીને બંને નરાધમોએ યુવતી પર પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું.
ભાઈ અને પિતાને પતાવી દેવાની ધમકી આપી કારમાં અપહરણ કર્યું
સંજનાએ બંને લંપટો સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા મીત અને તેજસે સંજનાના પિતા તથા ભાઈને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. પરિવારજનોના જીવ જોખમમાં મુકાતા ગભરાયેલી યુવતીને બંને જણા બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડીને નિકોલ તરફ ભગાડી ગયા હતા.
બંને આરોપીઓ ભોગ બનનાર યુવતીને નિકોલ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયા હતા, જ્યાં રૂમની અંદર સંજના પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનોની હેવાનિયત અહીં જ ન અટકી, આ ઘટનાના બે મહિના બાદ ફરી એકવાર મીત મકવાણા અને તેજસે જૂની ધમકીઓ દોહરાવીને સંજનાને ડરાવી હતી અને તેને ફરી એ જ નિકોલની હોટલમાં લઈ જઈને બીજી વાર સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી હતી.
વારંવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. જે બાદ પીડિતાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મીત મકવાણા અને તેજસ નામના બંને નરાધમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની ધરપકડ બાદ આ કેસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

(7:21 PM IST)