<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું નિઃશુલ્ક વિતરણ

ખેડૂતોને સબસિડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા; રાજ્યભરમાં 7 ઔષધીય ઉદ્યાન કાર્યરત

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના સાત સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વ્યક્તિગત ઉપયોગ માટે 10, શાળા-સંસ્થાઓને 50 તેમજ ખેડૂતો અને જાહેર જમીન માટે 500 સુધીના રોપા મફતમાં આપવામાં આવે છે. જ્યારે ગાંધીનગર ઔષધીય ઉદ્યાનમાંથી ચંદનના રોપા રૂ. 20ના સબસિડાઇઝ્ડ દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વમાં કાર્યરત આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો નહીં પરંતુ આયુર્વેદિક જ્ઞાન અને સંશોધનના કેન્દ્ર તરીકે પણ વિકસ્યા છે. દર વર્ષે અંદાજે 20 હજાર વિદ્યાર્થીઓ, સંશોધકો અને આયુર્વેદના અભ્યાસીઓ અહીં મુલાકાત લઈને ઔષધીય વનસ્પતિઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરે છે.

 

વર્ષ 2002માં 'ન નફો, ન નુકસાન'ના ધોરણે સ્થાપિત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત ઔષધીય વનસ્પતિ ઉપલબ્ધ કરાવવાનો, ઘરેલુ આયુર્વેદિક ઉપચાર અંગે જાગૃતિ લાવવાનો તેમજ ખેડૂતોને ઔષધીય પાકોની વ્યાપારી ખેતી માટે પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સબસિડી પણ આપવામાં આવે છે.

 

હાલ રાજ્યમાં ગાંધીનગર, વાંસદા (રૂપવેલ), ભુજ (નાની રેલડી), રાજપીપળા (જીતનગર), ઝાલોદ (વરોડ), પાલનપુર (વશી-દાંતા) અને આહવા-સાપુતારામાં કુલ 7 સરકારી ઔષધીય ઉદ્યાન કાર્યરત છે. અહીં તુલસી, ગળો, અરડૂસી, શતાવરી, અશ્વગંધા, બ્રાહ્મી, લીંડી પીપર, હરડે સહિતની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું સંવર્ધન, સંશોધન અને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

(4:13 PM IST)